સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા (Statue of Liberty)


યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની વિશ્વવિખ્યાત પ્રતિમા. આ શિલ્પનું પૂરું નામ છે ‘લિબર્ટી એન્લાઇટનિંગ ધ વર્લ્ડ’. તાંબાનું આ ભવ્ય પ્રતિમાશિલ્પ યુ.એસ.ની ઓળખના પ્રતીકરૂપ છે. પ્રતિમાવાળો લિબર્ટી ટાપુ મૅનહટ્ટન ટાપુના નૈઋત્ય છેડાથી આશરે ૨.૫ કિમી. જેટલા અંતરે આવેલો છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને ઊભેલી સ્ત્રીનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ કરે છે. મસ્તક પરના મુકુટના સાત આરા, સાત સમુદ્રો અને સાત ખંડો પરનાં સ્વાતંત્ર્યનાં પ્રકાશકિરણોનું સૂચન કરે છે. ડાબા હાથમાં રહેલું ઝૂલતું સાધન અમેરિકાના સ્વાતંત્ર્યદિનની રોમન અંકોમાં દર્શાવેલી ૪ જુલાઈ, ૧૭૭૬ની તારીખ સૂચવે છે. પગ હેઠળ દાબેલી સાંકળ અન્યાયી શાસનનો પ્રતિકાર કરતી બતાવી છે. લાખો પરદેશી પ્રવાસીઓ જ્યારે યુ.એસ.ના પ્રવેશદ્વાર સમા ન્યૂયૉર્કમાં પ્રવેશતાં સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમાની નજીકથી પસાર થાય છે ત્યારે તેમને આ પ્રતિમા આવકાર આપતી હોય અને સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા માટેની પ્રેરણા આપતી હોય તેવું ન લાગે તો જ નવાઈ.

અમેરિકાના લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા

સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમા ફ્રાન્સના લોકોએ ૧૮૮૪માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના લોકોને ભેટ આપેલી છે.
સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા બાબત સર્વપ્રથમ ખ્યાલ ફ્રેન્ચ રાજદ્વારી અને ઇતિહાસવિદ એડવર્ડ રેને લેફેબ્વ્રે દ લૅબાઉલને સ્ફુરેલો. ૧૮૬૫માં સ્વાતંત્ર્યના આદર્શને ઊજવવા માટે સંયુક્ત ફ્રેન્ચ-અમેરિકન સ્મારક બાંધવાનું સૂચન તેમણે કરેલું. ફ્રેન્ચ શિલ્પી બાર્થોલ્ડી તેમના મિત્ર હતા. આવું ભવ્ય શિલ્પ બનાવવા માટે તેમણે બાર્થોલ્ડીને તૈયાર કર્યા. ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીએ આ પ્રતિમાના આકારની રૂપરેખા બનાવેલી તેમ જ તેની પ્રતિષ્ઠા માટેનું સ્થળ પણ નક્કી કરી આપેલું. પ્રતિમા તૈયાર કરવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુ.એસ.ના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા, પૃ. 95)