સ્વામિનારાયણ સંપ્રદાય


સહજાનંદ સ્વામીએ સ્થાપેલો સંપ્રદાય.

સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસેના લોજ ગામમાં ઉદ્ધવના અવતાર મનાતા સ્વામી રામાનંદ પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઈ નીલકંઠ બ્રહ્મચારી સ્વામી સહજાનંદ બન્યા. સ્વામી રામાનંદે પોતાના અવસાન પહેલાં પોતાના અનુયાયીમંડળના આચાર્યપદે સ્વામી સહજાનંદને સ્થાપ્યા. ગુરુ રામાનંદ સ્વામીના અવસાન બાદ ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ વૈદિક તત્ત્વજ્ઞાનના સાર રૂપે ‘સ્વામિનારાયણ’નો મંત્ર આપ્યો. એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે ઓળખાયા અને આ ઉદ્ધવ સંપ્રદાય વખત જતાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ના નામે ઓળખાયો.

સ્વામિનારાયણ મંદિર, મૂળી

ઈ. સ. ૧૮૦૧માં શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આરંભી અને આ પ્રવૃત્તિએ થોડાં જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને વ્યાપક સ્વીકૃતિ અપાવી. સહજાનંદ સ્વામી સંયમના ચુસ્ત આગ્રહી હતા, તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં જે વિલાસિતાનાં તત્ત્વોએ પ્રવેશ કરવા માંડ્યો હતો તેને દૂર કરી ધર્મમાં સદાચારને પ્રાધાન્ય આપ્યું. એમણે યજ્ઞોને અહિંસક બનાવ્યા; એ સમયની અરાજક સ્થિતિનો લાભ ઉઠાવતી ધાડ અને ચોરીનો ધંધો કરતી કાઠી અને કોળી જેવી કોમોને શાંત, પ્રામાણિક, મહેનતુ અને ધર્મનિષ્ઠ બનાવી; લોકોનાં અફીણ, દારૂ ને તમાકુનાં વ્યસન છોડાવ્યાં; રાજપૂતો ને કાઠીઓનો દીકરીને દૂધ-પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો; સતી થવાના ચાલને પોતાની અસંમતિ આપી; વિધવાઓને ભગવાનને પતિ માની તેની ભક્તિ કરવાનો માર્ગ ચીંધી વૈધવ્યને ધર્મપરાયણ અને હેતુલક્ષી બનાવ્યું. આમ તળગુજરાત અને કાઠિયાવાડના લોકોમાં વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાયે સનાતન ધર્મનું એક આગવું સ્થાન મેળવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની દાર્શનિક વિચારધારા રામાનુજદર્શન(શ્રીસંપ્રદાય)થી પ્રભાવિત છે; તેથી અહીં પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એમ પાંચ અનાદિ તત્ત્વોનો નિર્દેશ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી પર છે. જીવ અને ઈશ્વર બ્રહ્મ સાથે એકતા કરી માયાથી પર થઈ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. સંપ્રદાયમાં શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલા સદાચારને ધર્મ ગણવામાં આવે છે, આથી સંપ્રદાયના ત્યાગી વર્ગને પંચવર્તમાન – નિષ્કામ, નિ:સ્નેહ, નિ:સ્વાદ, નિર્માન અને નિર્લોભ – આ પાંચ વ્રતો પાળવાનાં હોય છે. આ ઉપરાંત દરેક ત્યાગી-ગૃહસ્થી સત્સંગીએ લસણ-ડુંગળીનો ત્યાગ પણ કરવાનો હોય છે.

રાજશ્રી મહાદેવિયા

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વામિનારાયણ સંપ્રદાય, પૃ. 98)