હરણ


ખરીવાળા પગવાળું, વાગોળનારું, એક સસ્તન પ્રાણી.

આ વન્ય પ્રાણી જંગલ, પર્વત તથા ઘાસિયાં મેદાનોમાં વસે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા સિવાયના વિશ્વના અન્ય દેશોમાં તે જોવા મળે છે. હરણની આશરે ૫૩ જાતિઓ છે, જે વિવિધ કદ ધરાવે છે. ‘મૂસ’ (Moose) મોટામાં મોટા કદનું હરણ છે અને તે ઉત્તર અમેરિકા અને કૅનેડામાં વસે છે. નરમૂસ ૨.૩ મીટરની ઊંચાઈ તથા ૮૧૫ કિગ્રા. વજન ધરાવે છે. તેનાં શિંગડાં ૧.૪ મીટર પહોળાં અને ૨૭ કિગ્રા. વજન ધરાવે છે. જ્યારે પુડુ તે સૌથી નાના કદનું હરણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તે ૩૦ સેમી. ઊંચું અને ૬.૮ કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં રેન્ડિયર, રેડ ડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે. નીલગાય, કાળિયાર, શિંકારા, ચતુ:શૃંગી વગેરે હરણની જાતિનાં પણ અલગ પ્રકારનાં મૃગો છે – તે ઘેટાં-બકરાં કે ગાય-ભેંસના સમૂહનાં (bowidas) પ્રાણીઓ છે. હરણની બે મુખ્ય જાતિઓ તેમનાં શિંગડાંથી અલગ પડે છે. તેમાં એક જાતનાં મૃગો, ખરી પડે તેવાં શાખા-વિભાજિત શિંગડાં ધરાવે છે. તેમનાં શિંગડાં ઉપર મખમલ જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે, જ્યારે બીજી જાતનાં મૃગો શાખાવિહીન અને ખરે નહીં તેવાં શિંગડાં ધરાવે છે. તેમનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે. આવાં મૃગો ‘ઍન્ટિલોપ’ કહેવાય છે. તેમનાં શિંગડાં વળવાળાં અને અણીદાર હોય છે; દા. ત., કાળિયાર, શિંકારા વગેરે.

હરણ

હરણ લાંબા પગ, મોટી આંખો, સુંદર ત્વચા અને શિંગડાં ધરાવે છે. તેની શ્રવણશક્તિ અને ઘ્રાણશક્તિ ઘણી તીવ્ર હોય છે. શિંગડાં વડે નર માદાને મેળવવા માટે બીજા નર જોડે યુદ્ધ કરે છે. પોતાના રક્ષણ માટે પણ તે શિંગડાંનો ઉપયોગ કરે છે. માદાને શિંગડાં હોતાં નથી. હરણ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ તેનાં બચ્ચાં સાથે સમૂહમાં રહે છે. તે જ્યારે નરની સરહદમાં પ્રવેશે છે ત્યારે નર આ જૂથનો વડો બની જાય છે. રામાયણમાં સીતાના હરણ માટે સુવર્ણમૃગનું રૂપ લઈ મારીચ રાક્ષસ તેને લલચાવે છે અને તેનો વધ કરવા રામને જવું પડે છે તે વાત જાણીતી છે. ઘણી બાળવાર્તાઓમાં હરણની વાત આવે છે. ‘હરણ’ અને ‘મૃગ’ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પરંતુ ‘Deer’ માટે ‘હરણ’ અને ‘ઍન્ટિલોપ’ માટે ‘મૃગ’ શબ્દ વપરાય તો ઇષ્ટ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરણ, પૃ. 116)