ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય.
તે ૨૭O ૩૫´થી ૩૦O ૫૫´ ઉ. અ. અને ૭૪O ૨૦´થી ૭૭O ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૪૪,૨૧૨ ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વમાં દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજસ્થાન રાજ્યો આવેલાં છે. તેની વસ્તી લગભગ 3,09,36,000 (2025, આશરે) જેટલી છે. હરિયાણા સ્વાતંત્ર્ય પહેલાં તેમ જ પછીથી થોડાં વર્ષો સુધી પંજાબ રાજ્યનો એક ભાગ હતું. નવેમ્બર, ૧૯૬૬માં હરિયાણાના અલગ રાજ્યની રચના કરવામાં આવી. તેનું પાટનગર ચંડીગઢ છે.
વેદોના સમયથી હરિયાણાનો આનુશ્રુતિક તથા ગૌરવપૂર્ણ ઇતિહાસ મળે છે. આપણા દેશને ‘ભારત’ નામ જેના પરથી મળ્યું તે ભરતવંશના રાજાઓ આ પ્રદેશમાં થઈ ગયા. ‘મહાભારત’માં હરિયાણાનો ઉલ્લેખ છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં છે. પાણીપતની લડાઈઓ પણ આ જ ક્ષેત્રમાં થઈ હતી. મધ્યયુગ દરમિયાન પણ હાલના હરિયાણા રાજ્યમાં અનેક ઐતિહાસિક લડાઈઓ થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં આ પ્રદેશના લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ધ રૉક ગાર્ડન, ચંડીગઢ
અહીંનાં જંગલોમાં મલબરી, નીલગિરિ, પાઇન, સીસમ અને બાવળ જેવાં વૃક્ષો ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં કાળિયાર, નીલગાય, દીપડો, શિયાળ, વરુ, નોળિયો વગેરે મુખ્ય છે. પક્ષીઓની લગભગ ૩૦૦ જેટલી જાતિઓ અહીં જોવા મળે છે. હરિયાણામાં બે રાષ્ટ્રીય ઉદ્યાન તથા આઠ અભયારણ્યો તેમ જ પશુપક્ષી-સંવર્ધનકેન્દ્ર પણ આવેલાં છે. ઘઉં, બાજરી, કઠોળ (મુખ્યત્વે ચણા), તેલીબિયાં, કપાસ, શેરડી, ડાંગર, જવ, મરચાં અને મકાઈ રાજ્યના પાકો છે. અહીં જુદા જુદા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. તેમાં કાપડ, કાગળ, સિમેન્ટ, સાઇકલ-ઉદ્યોગ, ખાંડ, ગરમ કાપડ, યંત્રસામગ્રી, કૃષિવિષયક ઓજારો, ઇલેક્ટ્રૉનિક્સ, મોટરકાર, ઘરગથ્થુ ઉપકરણો વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ ટ્રૅક્ટરો અહીં બને છે. ગુરગાંવમાં ઑટોમોબાઇલના એકમો સ્થપાયેલા છે. ભારતીય સેનાની જાટ રેજિમેન્ટ તેની બહાદુરી માટે વિશ્વવિખ્યાત છે. હરિયાણા એક્સ્પ્રેસ ક્રિકેટર કપિલદેવ, વિજેન્દ્રસિંગ તથા સુશીલકુમાર જેવા કુસ્તીબાજો, બૅડમિન્ટન-ચૅમ્પિયન સાયના નેહવાલ તથા બીજા અનેક રમતવીરો હરિયાણાની દેન છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાણા, પૃ. 125)
