જ. 27 નવેમ્બર, 1907 અ. 18 જાન્યુઆરી, 2003

હરિવંશરાય બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમજ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ અલાહાબાદ પાસે પ્રતાપગઢ જિલ્લામાં એક નાના ગામ બાબૂપટ્ટીમાં થયેલો. તેમનું મૂળ નામ હરિવંશરાય શ્રીવાસ્તવ. તેઓનો જન્મ કાયસ્થ પરિવારમાં થયેલો. તેમને બાળપણમાં ‘બચ્ચન’ (જેનો અર્થ બાળક કે સંતાન) કહેવામાં આવતા. આ શબ્દ તેમણે પોતાના તખલ્લુસ તરીકે રાખ્યો. વળી મોટા પુત્ર અમિતાભના શાળાપ્રવેશ સમયે તેમણે પોતાની જ્ઞાતિ ન જણાવવા આ ‘બચ્ચન’ શબ્દને અટક તરીકે જ રાખ્યો. આરંભમાં તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂનું શિક્ષણ લીધું, પછી પ્રયાગ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ત્યારબાદ સેંટ કૈથરીન કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજ કવિ ડબલ્યુ. બી. યેટ્સ પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા અને ત્યારપછી થોડો સમય આકાશવાણીમાં કાર્ય કરી પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના વિશેષજ્ઞ તરીકે દિલ્હીમાં રહ્યા. તેઓ હિન્દુસ્તાની અને અવધી ભાષામાં પણ પારંગત હતા. 1935માં ‘તેરા હારા’ તેમનું પ્રથમ પ્રકાશન હતું પણ તેમને ‘મધુશાલા’ની રચનાઓને કારણે અગ્રસ્થાન મળ્યું. 1936માં તેમણે ‘મધુબાલા’ તથા 1937માં ‘મધુકલશ’ના કવિતાસંગ્રહ બહાર પાડ્યા. તેમની રચનાઓમાં ઉમર ખય્યામની રુબાયતોનો પ્રભાવ જોવા મળે છે. ‘નિશા નિમંત્રણ’ (1938) અને ‘એકાન્ત સંગીત’ (1937) નામના કાવ્યસંગ્રહોમાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે. ‘આકુલ અંતર’ (1943), ‘સતરંગિની’ (1945), ‘હલાહલ’ (1946) અને ‘મિલનયામિની’(1950)માં તેમનાં યુગલક્ષી સુંદર ગીતો સંચિત થયેલાં છે. આ ઉપરાંત તેમના આત્મચરિત્ર ગ્રંથો જેમાં પ્રથમ ખંડ ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું’(1960)માં પ્રથમ પત્નીના અવસાન સમયની વ્યથા-કથા, બીજા ખંડ ‘નીડર કા નિર્માણ’ (1970), ત્રીજા ખંડ ‘બસૈર સે દૂર’(1977)માં દેશ-નગર-પરિવારથી દૂર કેમ્બ્રિજમાં સંશોધન અને ચોથા ખંડ ‘દશદ્વાર અને સોપાન’માં અનેક રોચક વર્ણનો છે. આ ઉપરાંત ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબૅથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે. તેઓ 1952થી અલાહાબાદ રાજ્યસભાના મનોનીત સભ્ય હતા અને તેમણે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે આપેલા પ્રદાન માટે અનેક સન્માન પણ આપવામાં આવેલાં જેમાં 1976માં ‘પદ્મભૂષણ’ પારિતોષિક ખાસ ઉલ્લેખનીય છે.
રાજશ્રી મહાદેવિયા
