હવામાન


પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચે સુધી વાયુઓના અને બાષ્પના જુદા જુદા ઘટકોની ગતિવિધિ.

હવામાન એ પૃથ્વી પરની ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પ્રવર્તતી હવાની પરિસ્થિતિનો અંદાજ છે. તે જુદી જુદી જગ્યાઓએ અને જુદા જુદા સમયે બદલાયાં કરે છે. આબોહવા એ હવામાનની ચોક્કસ સ્થળે લાંબા સમયગાળાની તરેહ (pattern) છે. જો કોઈક સ્થળે વરસાદ પડે તો તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પરંતુ આબોહવાને અસર થતી નથી. હવામાન ખાસ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણીની ઊપજ છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. પાણી પૃથ્વીને ભેજવાળી અને ભીની બનાવે છે અને હવા ગરમી અને પાણીને આજુબાજુ ફેરવે છે. પૃથ્વી પર સૌથી નીચેનું સ્તર વિષમતાપમંડળ (troposphere) આશરે ૧૮ કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. તેને આપણે સૌ હવામાન તરીકે અનુભવી શકીએ છીએ. અહીં તેની સાથે વર્ષા, તાપમાન, ભેજ, વાદળો, પવનો, ચક્રવર્તી તોફાનો, હિમવર્ષા જેવી સંબંધિત ઘટનાઓ સર્જાયાં કરે છે. હવામાનનાં બધાં પરિબળોને વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય. તેમાં અવારનવાર થતા ફેરફારો આપણી દરરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે. તેમાં અવારનવાર થતા ફેરફારો સમગ્ર દેશના અર્થતંત્રને પણ અસર કરે છે.

ભારતીય હવામાનની કચેરી, દિલ્હી

હવામાનની આગાહી : પ્રાચીન સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં હવામાનની આગાહી માટે કેટલીક લોકોક્તિઓ પ્રચલિત છે. સામાન્ય રીતે ખેડૂતવર્ગ આવી લોકોક્તિઓ પર શ્રદ્ધા ધરાવે છે. કેટલાંક પશુ-પંખીઓ કુદરત તથા હવામાનના ફેરફારો વધુ સારી રીતે જાણી શકે છે. કહેવાય છે કે ટિટોડી વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને જાણી શકે છે. ટિટોડી જે વર્ષે ઊંચા ટેકરા પર પોતાનાં ઈંડાં મૂકે તે વર્ષે અતિવૃષ્ટિ થાય તેવું મનાય છે. હવામાનના અભ્યાસ માટે ભારત મોસમવિજ્ઞાન-વિભાગ (India Meteorology Department) દિલ્હીમાં કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય હવામાન-મથકો ખાતેથી એકઠાં થતાં અવલોકનોના સંકલનના આધારે હવામાનની આગાહી તથા ચોમાસામાં આવતા પહેલા વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે. ભારતીય મોસમવિજ્ઞાન તેણે મેળવેલા ડેટાના સંકલન માટે સુપર-કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયૉરૉલૉજી (Indian Institute of Tropical Meteorology) નામની સંસ્થા આવેલી છે, જે હવામાનશાસ્ત્રનાં વૈજ્ઞાનિક પાસાંઓનો અભ્યાસ કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવામાન, પૃ. 136)