હસ્તિનાપુર


મહાભારતના સમયમાં કુરુવંશીઓના રાજ્યની રાજધાની.

તે હાલના ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. દિલ્હીના ઈશાન ખૂણે આશરે ૯૧ કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. જોકે તેમનું ગંગા નદીના પ્રવાહથી ધોવાણ થયેલું જણાય છે. પુરાણકાળમાં અત્રિપુત્ર સોમ અહીંના વનમાં ફરતો હતો, ત્યારે તેણે કોઈ પક્ષીને ચાંચમાં હાથીને પકડીને ઊડી જતું જોયું, તેથી તેણે અહીં નગર વસાવ્યું. પાછળથી ભરતપુત્ર હસ્તિ રાજાના સમયમાં તેનું નામ ‘હસ્તિનાપુર’ રખાયું. હસ્તિનાપુરમાં કૌરવોએ રાજ્ય કર્યું. પાંડવો આ હસ્તિનાપુરમાં કૌરવો સાથે જુગાર રમ્યા. તેમાં પાંડવો દ્રૌપદી સહિત પોતાનું સર્વસ્વ હારી ગયા અને દ્રૌપદી અપમાનિત થઈ. યુદ્ધમાં ભાઈઓની હત્યાથી મળેલા હસ્તિનાપુર પાટનગરનો પાંડવોએ અસ્વીકાર કર્યો. તેમણે હસ્તિનાપુર ત્યજી દીધું અને નવું ઇન્દ્રપ્રસ્થ પાટનગર વસાવ્યું. આ ઇન્દ્રપ્રસ્થ પાટનગર વર્તમાન દિલ્હીની નિકટ આવેલું હતું.

હસ્તિનાપુરમાં આવેલું મહાદેવનું એક પ્રાચીન મંદિર, હસ્તિનાપુરમાં આવેલું જૈનોનું એક મંદિર – જંબુદ્વીપ જૈન મંદિર

દુર્યોધનના સમયમાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ક્રોધમાં નગરને ધ્વસ્ત કર્યું હતું. ફરી વસાવાયેલા નગરને નિમિચક્ર રાજાના સમયમાં ભાગીરથી નદીના પૂરથી ભારે હાનિ થઈ. તેને ફરીથી ઊભું કરાયું. સમય પ્રમાણે તેનાં ‘નાગપુર’ અને ‘ગજપુર’ જેવાં નામો પ્રચલિત બન્યાં. પાછલાં વર્ષોમાં રાજાઓ આ નગરને સાચવી શક્યા નહિ તેથી તેનો નાશ થયો. હસ્તિનાપુર જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. મહાવીર સ્વામીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે રાજા શ્રેયાંસે આદિ તીર્થંકર ઋષભદેવને શેરડીનો રસ દાનમાં આપ્યો હતો. તેથી આ સ્થળ ‘દાનીતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળનો સંબંધ જૈન ધર્મના શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ નામના તીર્થંકરો સાથે પણ હતો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી