જમીન પર વસતું સૌથી મહાકાય, સૂંઢવાળું સસ્તન પ્રાણી.
હાથીની બે જાતિઓ છે : ૧. એશિયન હાથી, ૨. આફ્રિકન હાથી. એશિયન હાથી તે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિયામ, મલાયા અને સુમાત્રામાં વસતા હાથી. ભારતમાં ઉત્તરાખંડ, આસામ, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં હાથી વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ ૨.૫થી ૩ મીટર, લંબાઈ ૮ મીટર (સૂંઢથી પૂંછડી સુધીની) અને વજન ૩૦૦૦થી ૩૬૦૦ કિગ્રા. જેટલું હોય છે. આફ્રિકન હાથી આ હાથી કરતાં વધારે મોટા અને વધારે વજન ધરાવે છે. ભારતીય હાથીની જાતિમાં નર અને માદા દેખાવે સરખાં લાગે છે. ફેર માત્ર એટલો કે નર હાથીને મોટા હાથીદાંત હોય છે જ્યારે માદાને સાવ નાના. આફ્રિકન હાથીમાં નર તથા માદા બંનેને મોટા હાથીદાંત હોય છે. હાથીદાંતનો ઉપયોગ કરી તે ખોરાક મેળવે છે અને પોતાનું રક્ષણ કરે છે. તેની લંબાઈ પરથી હાથીની ઉંમર જાણી શકાય છે. હાથીની સૂંઘવાની શક્તિ જોવાની અને સાંભળવાની શક્તિ કરતાં વધારે તીવ્ર હોય છે. હાથીને થાંભલા જેવા ચાર પગ અને પગના તળિયે માંસલ ગાદી હોય છે. તે ૪થી ૫ આંગળીઓ ધરાવે છે.

આફ્રિકન હાથી
સસ્તન પ્રાણીઓમાં હાથીની વિશેષતા તે તેની સૂંઢ છે. સૂંઢ એનું નાક છે. તેના આગળના ભાગમાં બે નસકોરાંનાં છિદ્રો અને બે ઓષ્ઠ આવેલાં હોય છે. સૂંઢના છેડે આંગળી જેવો લંબગોલક હોય છે. આફ્રિકન હાથીમાં સૂંઢના છેડે બે ગોલક હોય છે. આ ગોલકની મદદથી તે સોય જેવી ઝીણી વસ્તુ પકડી શકે છે. સૂંઢમાં હાડકાં હોતાં નથી. તે મજબૂત સ્નાયુઓની બનેલી હોય છે. તેના વડે હાથી ખોરાક પકડીને પોતાના મોંમાં મૂકી શકે છે. તેનાથી હાથી મોટાં ઝાડ ઉખેડી શકે છે અને ભારે વજન ઊંચકી શકે છે. વળી તે સૂંઢથી પોતાનાં બચ્ચાંને પંપાળીને વહાલ પણ કરી શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે અને પોતાના મોટા શરીરને ટકાવવા ખૂબ માત્રામાં (રોજનો લગભગ ૧૫૦ કિગ્રા. જેટલો) ખોરાક લે છે. ખોરાકમાં તે ડાળીડાળખાં, કૂંપળો, પાંદડાં તથા ફળો લે છે. શેરડી તેનો પ્રિય ખોરાક છે. ખોરાકને ચાવવા માટે તેના મોંમાં મોટી મોટી ૬ જોડ દાઢો હોય છે. એ દાઢો ઘસાઈ જાય તો ત્યાં નવી દાઢો ફૂટે છે. હાથી ખૂબ જોરાવર પ્રાણી છે. હાથીનું સરેરાશ આયુષ્ય ૪૦ વર્ષનું હોય છે; પરંતુ ક્યારેક તેઓ આશરે ૭૦ વર્ષ સુધી પણ જીવે છે. ગણપતિના મસ્તકની જગાએ હાથીનું માથું મુકાયેલ છે. તે અંગેની પૌરાણિક કથા પણ છે. હાથી બુદ્ધિશાળી અને સારી યાદશક્તિ ધરાવતું ચતુર પ્રાણી ગણાય છે. તેથી કદાચ હાથીનું મસ્તક ગણપતિ માટે પસંદ કરાયું હોય એવું અનુમાન પણ થઈ શકે.
અંજના ભગવતી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હાથી, પૃ. 154)
