હીરાઘસુ


કુદરતમાં મળી આવતા રુક્ષ હીરાઓને ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરીને – પહેલ પાડીને પાસાંઓવાળાં ચકચકિત સ્ફટિકમય રત્નોનું સ્વરૂપ આપનાર કારીગર. હીરા-ઉદ્યોગમાં ભારત વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશ્વનું ૭૦ % હીરાનું વેચાણ ભારત કરે છે. ભારતમાં હીરાનું ઉત્પાદન તો ન જેવું છે, પરંતુ તે હીરાનો કાચો માલ બહારથી આયાત કરીને તૈયાર માલની નિકાસ કરે છે. આ ઉદ્યોગમાં ૧૦,૦૦૦થી વધુ કારખાનાંઓ અને ૧૦ લાખથી વધુ લોકો રોકાયેલા છે. હીરા કાપવા, ઘસવા અને ચમક આપવા માટેનાં મથકો સૂરત, નવસારી, પાલનપુર, ભાવનગર, મુંબઈ અને જયપુર ખાતે આવેલાં છે. હિન્દુસ્તાન ડાયમંડ કંપની તરફથી ગુજરાતમાં સૂરત નજીક સચિન, તમિળનાડુમાં તિરુચિ, રાજસ્થાનમાં જયપુર, યુ.પી.માં હલધાની અને બિહારમાં ગોવિંદપુર ખાતે ઔદ્યોગિક પાર્ક સ્થપાયા છે. રુક્ષ હીરામાંથી ૯૦ % સફાઈદાર હીરા ગુજરાતમાં તૈયાર થાય છે.

હીરા ઘસતા કારીગરો

ભારતમાં વારસાગત કલા તરીકે હીરાને પહેલ પાડવાની કલા વર્ષોથી ચાલતી આવી છે. પહેલાંના સમયમાં જ્યાં હીરાની ખાણો હતી ત્યાં, આંધ્રપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં તે કલા વિકાસ પામી હતી. આઠમી સદીથી ભારતમાં પહેલ પડાયેલા હીરા વેનિસ થઈને વિશ્વમાં બીજે વેચાવા જતા હતા. અઢારમી સદીના મધ્યભાગથી ભારતમાં હીરાના ઉત્પાદનમાં ઘટાડો થતાં આ ક્ષેત્રે મંદી વરતાવા લાગી. હીરાને ઘાટ આપનાર કસબીઓ લગભગ બેકારીની સ્થિતિમાં મુકાઈ ગયા. આવી પરિસ્થિતિમાં આશરે ૧૦૦ વર્ષ પહેલાં સૂરતમાં વિદેશથી રુક્ષ હીરાની આયાત કરી તેમાં પહેલ પડાવી ફરીથી તેની નિકાસ કરવાનો ઉદ્યોગ ચાલુ થયો. શરૂઆતમાં આ કામ નાના પાયે થતું હતું. ૧૯૭૦ પછી, સૌરાષ્ટ્રમાં સતત દુકાળ પડતાં મોટી સંખ્યામાં યુવાનો હીરા-ઉદ્યોગમાં હીરાઘસુઓ તરીકે જોડાયા. આ હુન્નર દ્વારા વિદેશી હૂંડિયામણમાં કમાણીની તક જોઈને ભારત સરકારે આયાત-નિકાસના નિયમો હળવા બનાવ્યા. તેના પરનો જકાતવેરો નાબૂદ થયો. વિશ્વના અન્ય દેશોના મુકાબલે ભારતમાં હીરા ઘડનારા કુશળ કારીગરો સસ્તા દરે કામ કરે છે તેની જાણ થતાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. ભારત સામાન્ય રીતે બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ, સંયુક્ત આરબ પ્રજાસત્તાક, સંયુક્ત આરબ અમીરાત, હૉંગકૉંગ અને અમેરિકાથી રુક્ષ હીરાની આયાત કરે છે; જ્યારે ઘડેલા હીરાની નિકાસ અમેરિકા, બેલ્જિયમ, હૉંગકૉંગ, સિંગાપોર, ઇઝરાયલ, જાપાન, થાઇલૅન્ડ વગેરે દેશોમાં કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હીરાઘસુ, પૃ. 180)