‘હું’ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે


અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું’ સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું’ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું’ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું’ના મૃત્યુના ભયમાં જીવે છે. ‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં’ એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું’ સતત મોટો થાય છે, પછી એ ‘હું’ જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યે કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું’ જ મૂરખ બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ’ એમ વ્યક્તિ માનતી હોય છે. હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું’ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને તેથી જ એના ‘હું’ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય છે. ‘હું’ ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને એવું થાય તો વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે. અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચારે દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં; પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી, ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.