ચીનના અગ્નિભાગમાં દરિયાકાંઠે આવેલો ટાપુ-વિસ્તાર. તે ૨૨° ૨૦´ ઉ. અ. અને ૧૧૪° ૧૫´ પૂ. રે.ની આજુબાજુનો ૧,૦૯૧ ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ શહેર ઝૂ જિયાંગ (પર્લ) નદીના મુખ પર વસેલું છે. હૉંગકૉંગ ચીનની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલ દ્વીપકલ્પ તેમ જ ૨૩૫ જેટલા ટાપુઓથી બનેલું છે. હૉંગકૉંગ નામ હેઠળ કાઉલૂન દ્વીપકલ્પ, હૉંગકૉંગ ટાપુ તથા બીજા ઘણા ટાપુઓનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિ પર પણ તે બે વિભાગોમાં વહેંચાયેલું છે. ઉત્તર વિભાગ હૉંગકૉંગ તરીકે ઓળખાય છે, જ્યારે દક્ષિણ વિભાગ કાઉલૂન દ્વીપકલ્પ તરીકે. વિક્ટોરિયા શહેર હૉંગકૉંગનું પાટનગર ગણાય છે. હૉંગકૉંગની વસ્તી આશરે ૭૫,૧૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. આજનું હૉંગકૉંગ પ્રાચીન કાળથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધી ચીનનો જ એક ભાગ રહેલું. ચીન સાથેના સંધિકરાર મુજબ ગ્રેટબ્રિટને ૧૮૪૨માં હૉંગકૉંગ ટાપુનો અને ૧૮૬૦માં કાઉલૂન દ્વીપકલ્પનો કબજો મેળવેલો. ૧૮૯૮માં ચીને ગ્રેટબ્રિટનને ૯૯ વર્ષના પટ્ટા તરીકે પરવાનો કરી આપેલો. ૧૮૯૮થી ૧૯૯૭ સુધી તે ગ્રેટબ્રિટનની જાગીર તરીકે રહેલું. ૧-૭-૧૯૯૭એ ગ્રેટબ્રિટને હૉંગકૉંગનો કબજો ચીનને તબદીલ કરી આપ્યો ત્યારથી તે ચીનના કબજા હેઠળ છે.

વિક્ટોરિયા શિખર પરથી દેખાતું હૉંગકૉંગ અને ઝૂ જિયાંગ નદીનું દૃશ્ય
હૉંગકૉંગનું ભૂપૃષ્ઠ ઓછીવત્તી ઊંચાઈવાળી ટેકરીઓથી બનેલું છે. હૉંગકૉંગ ટાપુ પરનું વિક્ટોરિયા શિખર ૫૫૪ મી.ની ઊંચાઈ ધરાવે છે. દરિયાકિનારો ખાંચાખૂંચીવાળો અને ખડકાળ છે. મુખ્યભૂમિના કિનારે નાનાં નાનાં બંદરો આવેલાં છે. અહીંની આબોહવા ઉપઅયનવૃત્તીય છે. ઉનાળા ગરમ ભેજવાળા રહે છે. શિયાળા ઠંડા અને સૂકા રહે છે. ૭૫% વરસાદ ઉનાળામાં પડી જાય છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૨૨૫૦ મિમી. જેટલો પડે છે. હૉંગકૉંગમાં ખેતી માત્ર ૧૦% ભૂમિ પર જ થાય છે. ડાંગર, શાકભાજી અને ફૂલો અહીંની મુખ્ય કૃષિપેદાશ છે. પ્રવાસન પણ અહીંનો અગ્રગણ્ય ઉદ્યોગ છે. વર્ષે અહીં આશરે ૨૦ લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે. હૉંગકૉંગના અર્થતંત્રને વેગવંતું રાખવામાં આ ઉદ્યોગ મોટી સહાય કરે છે. અહીં હવાઈ મથક, બંદર તથા મેટ્રો-રેલની સુવિધા છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હૉંગકૉંગ, પૃ. 208)
