મયૂરધ્વજસિંહજી મેઘરાજસિંહજી ત્રીજા


જ. 3 માર્ચ, 1923 અ. 1 ઑગસ્ટ, 2010

ધ્રાંગધ્રા-હળવદ રજવાડાના અંતિમ શાસક હીઝ હાઇનેસ મેજર મહારાણા મહારાજ સર મયૂરધ્વજસિંહજીનો જન્મ ધ્રાંગધ્રાના સુંદરવિલાસ ખાતે થયો હતો. પિતા મહારાજા સર ઘનશ્યામસિંહજી અને માતા આનુદકુંવરબા સાહેબા. તેમના જન્મ વખતે યુદ્ધનાં ઢોલ વગાડવામાં આવ્યાં હતાં અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ મહેલની શાહી શાળામાં થયું. ત્યારબાદ તેમને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. તેમણે સમરસેટમાં મિલફિલ્ડ સ્કૂલ અને હર્ટફોર્ડશાયરમાં હીથ માઉન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. હેલીબરી કૉલેજમાં અભ્યાસ કરી ભારત પરત ફર્યા. 1942માં પિતાનું અવસાન થતાં તેઓ ગાદી પર બેઠા. તેમણે દહેરાદૂનની સેન્ટ જૉસેફ એકૅડેમી અને પુણેની શિવાજી મિલિટરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. તેમણે શાસનકાળ દરમિયાન અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીઓને મિલકત ધરાવવાનો અને પુનર્લગ્ન કરવાની મંજૂરી, ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ જેવા અનેક મહત્ત્વના કાયદા બનાવ્યા. તેઓ બ્રિટિશ હાઉસ ઑફ કૉમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલના અંતિમ વાચનના સાક્ષી હતા. તેઓ સૌરાષ્ટ્રના ડેપ્યુટી ગવર્નર બન્યા. પ્રથમ ચૂંટણીઓનું અધ્યક્ષપદ સંભાળ્યું. થોડો સમય સ્ટેટ બૅન્કના પ્રમુખ રહ્યા. 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ વર્લ્ડ અફેર્સ, મિલફિલ્ડ સોસાયટી, કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશન, ન્યૂ નિસ્મેટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને હેરાલ્ડ્રી સોસાયટી ઑવ્ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાના સભ્ય હતા. રૉયલ ઍન્થ્રૉપૉલૉજિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ અને રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો હતા. તેમણે ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમને કિંગ જ્યોર્જ VI રાજ્યાભિષેક ચંદ્રક, ભારતીય સ્વતંત્રતા ચંદ્રક અને નાઇટ કમાન્ડર ઑવ્ ધ ઑર્ડર ઑવ્ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.