અમદાવાદની ઉત્તરે આશરે ૨૦ કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. આ વાવ અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં ધર્મપત્ની રાણી રૂડાબાઈએ પોતાના પતિના સ્મરણાર્થે સંવત ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯ ?)માં બંધાવી હતી. આ વાવ બંધાવવામાં તે સમયના પાંચ લાખ ટાકા(રૂપિયા)નો ખર્ચ થયો હતો. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એક એક પ્રવેશદ્વાર – મુખ છે અને તેથી તે ‘જયા’ પ્રકારની વાવ ગણાય છે. દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે. વાવની લંબાઈ ૭૫.૩ મીટર છે. તેને ચાર મંડપ છે. ત્રણેય પ્રવેશદ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વારમંડપ ભેગા થાય છે.

અડાલજની કલાત્મક વાવ અડાલજની વાવમાંનો એક સુંદર ગોખ
વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે : (૧) કુંભી, (૨) સ્તંભ, (૩) ભરણું, (૪) સરું. સરુંના ભાગ પર આડા પાટડા છે. બધા જ પાટડા શિલ્પકામથી ભરપૂર છે. પ્રથમ મંડપને બે માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણની હારમાં ચાર ચાર એમ બાર સ્તંભ છે. સરું અને સ્તંભને જોડતાં ત્રાંસાં નેજવાં છે. ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે. કુંડને નવ મીટરના સમચોરસમાં ગોઠવેલ છે. બીજે માળે ઊતરતાં સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહ કંડારેલા છે. વાવમાં ૫૬ જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલાં છે.
શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ આખી વાવ સર્જનકળાનો શ્રેષ્ઠ નમૂનો છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1
