હેમુ કાલાણી


જ. 23 માર્ચ, 1923 અ. 21 જાન્યુઆરી, 1943

ક્રાંતિકારી અને સ્વરાજસેનાના નેતા હેમુ કાલાણીનો જન્મ સિંધના સખ્ખર ખાતે સિંધી પરિવારમાં થયો હતો. પિતા પેસુમલ અને માતા જેઠીબાઈ. તેમનું મૂળ નામ હેમનદાસ હતું. તેમણે સખ્ખરની તિલક હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમનામાં બાળપણથી દેશદાઝની ભાવના હતી. તેમણે મિત્રો સાથે મળીને વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે ઝુંબેશ ચલાવી હતી. તેઓ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સંલગ્ન સ્વરાજ સેનાના નેતા હતા. તેમને રમતગમતમાં રસ હતો. તેમને કુસ્તીનો શોખ હતો આથી કૃષ્ણ મંડળ અખાડામાં જોડાયા હતા. તેઓ સખ્ખરના લૅન્સડાઉનમાં પુલ પરથી સિંધુ નદીમાં કૂદી પડી સામે કિનારે નીકળી જતા. સિંધમાં સ્વતંત્રતાપ્રાપ્તિ માટે આંદોલને વેગ પકડ્યો હતો. હેમુએ મુખ્ય કલેક્ટરની ઑફિસ પર યુનિયન જેક ઉતારીને તિરંગો લહેરાવ્યો હતો. તેઓ દૃઢપણે માનતા કે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા હોય તો માત્ર વિરોધપ્રદર્શન પૂરતું નથી. અંગ્રેજોને પાઠ ભણાવવો જોઈએ. હેમુ અને સાથીદારોને ખબર મળી કે 22 ઑક્ટોબરની રાત્રે સૈનિકો, દારૂગોળો અને પુરવઠાની ટ્રેન આવવાની છે. આ જાણી યુવાનોએ ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો. બિસ્કિટ બનાવતી કંપની પાસેથી પસાર થતી રેલવેલાઇનની ફિશપ્લેટો કાઢવાનું નક્કી કર્યું. હેમુ અને સાથીદારો ફિશપ્લેટો કાઢવા ગયા, પરંતુ પોલીસ તેમને જોઈ ગઈ. હેમુના સાથીદારો પોલીસને જોઈ નાસી ગયા, પરંતુ હેમુ ત્યાં જ ઊભા રહ્યા. નાસીને કાયરતા બતાવવા કરતાં પકડાઈ જવાનું વધુ યોગ્ય લાગ્યું. અદાલતમાં કેસ ચાલ્યો. હેમુને ફાંસીની સજા કરવામાં આવી. સિંધના લોકોએ દયા માટે અરજી કરી, પણ અધિકારીઓએ શરત મૂકી કે હેમુની સાથેના કાવતરાખોરોનાં નામ હેમુ આપે, પરંતુ હેમુએ માહિતી આપવાની ના પાડી. ફાંસી આપવાના દિવસે તેમણે ભગવદ્ગીતાનો પાઠ કર્યો. ભગવદ્ગીતા અને માતૃભૂમિને નમન કર્યાં. ફાંસીના માંચડે ચડતાં પહેલાં એમના અંતિમ શબ્દો હતા, ‘અંગ્રેજો ભારત છોડો, ભારત માતા કી જય.’ તેમની સ્મૃતિમાં ભારતભરમાં વિદ્યાલયો, સોસાયટીઓ, હૉલ, વિસ્તાર, સર્કલ, માર્ગ, ચોક વગેરે સાથે હેમુ કાલાણીનું નામ જોડવામાં આવ્યું છે. 18 ઑક્ટોબર, 1983ના રોજ ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી. કમનસીબી એ છે કે પાકિસ્તાનમાં સખ્ખરમાં આવેલા હેમુ કાલાણી પાર્કનું નામ બદલીને કાસિમ પાર્ક રાખવામાં આવ્યું છે.