એ. એમ. અહમદી


જ. 25 માર્ચ, 1932 અ. 2 માર્ચ, 2023

ભારતની સર્વોચ્ચ અદાલતના 26મા પૂર્વમુખ્યન્યાયમૂર્તિ એ. એમ. અહમદીનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા અવિભક્ત મુંબઈ રાજ્યમાં સિનિયર ડિવિઝનમાં સિવિલ જજ હોવાથી તેમની અવારનવાર બદલીઓ થતી. આથી અહમદીએ મુંબઈ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટસની પરીક્ષા પસાર કર્યા બાદ અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી અને સૂરતની સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. જૂન, 1954માં અમદાવાદની જિલ્લા અદાલતમાં વકીલાત શરૂ કરી. 1961માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટની સ્થાપના થતાં તે કોર્ટમાં સરકારી વકીલ નિમાયા. 1964માં ન્યાયાધીશ તરીકે નિમાયા. જૂન 1974થી ડિસેમ્બર 1975 સુધી કાયદા વિભાગના સચિવ તરીકે કાર્ય કર્યું. 1976માં ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. તેઓ કાયદાના ઊંડા અભ્યાસી હતા. બંધારણ, કરવેરા, આબકારી અને કસ્ટમ, ઉદ્યોગો અને નોકરી અંગેના કેસોમાં તેમના કેટલાક શકવર્તી ચુકાદા જાણીતા થયા છે. વિદેશી મુદ્રા સંરક્ષણ તેમજ તસ્કરી નિવારણ અધિનિયમ અને ગુજરાત રાજ્ય તૃતીય વેતન આયોગ જેવા અનેક સલાહકાર બોર્ડના તેઓ સદસ્ય હતા. તેમણે દાણચોરો તથા કાળાબજાર કરનારાની અટકાયત અંગેના સલાહકાર મંડળોમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. તેમણે રાવી-બિયાસ જલવિવાદ પંચના સભ્ય તરીકે પણ કામ કર્યું. 14 ડિસેમ્બર, 1988ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમાયા. 1989માં સુપ્રીમ કોર્ટ લીગલ એઇડ કમિટીના અધ્યક્ષ બન્યા. 25 ઑક્ટોબર, 1994ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા. ભારતમાં કાનૂની સહાયતા યોજનાઓના તેઓ પ્રમુખ સંરક્ષક હતા. અદાલતોમાં ઝડપી ન્યાયવિતરણ માટે કમ્પ્યૂટરયુગ લાવનાર ન્યાયમૂર્તિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તેમને દેશ-વિદેશમાંથી અનેક સન્માનો પ્રાપ્ત થયાં. જેમાં મુખ્યત્વે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય, મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય, રોહતક, કાનપુર વિશ્વવિદ્યાલય વગેરે દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.