દૂધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનો કરતી આણંદ ખાતે આવેલી ડેરી. તેનું પૂરું નામ છે Anand Milk-Producers’ Union Ltd.. તે ઉપરથી AMUL – ‘અમૂલ’ નામ પડ્યું છે. તે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ડેરી છે. સમગ્ર એશિયામાં તેની નામના છે. આ સહકારી ડેરીની શરૂઆત ૧લી જૂન, ૧૯૪૮થી થઈ. ત્રિભોવનદાસ પટેલની ધગશ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના બાહોશ નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલે ધીમે ધીમે ખૂબ પ્રગતિ કરી છે. આજે તેની દૂધ સંઘરવા ને સાચવવાની તાકાત ૫૦ લાખ લિટર પર પહોંચી છે. અમૂલથી ૮ કિમી.ના અંતરે મોગર ખાતે ચૉકલેટ તથા બાલ-આહાર બનાવવાનું કારખાનું છે. ખાત્રજ ચોકડી પાસે ચીઝ બનાવવાનું અને કણજરી ખાતે અમૂલ દાણ બનાવવાનું કારખાનું છે.

ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલ ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી બની છે. અમૂલમાંથી પાશ્ચરીકરણ (જીવાણુમુક્ત) થયેલું દૂધ ટૅન્કરો દ્વારા મુંબઈ, દિલ્હી અને કૉલકાતા જેવાં શહેરોને પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત પાઉડર, ઘી, ચીઝ, માખણ, કેસીન જેવી દૂધની પેદાશોનું નિયમિત ઉત્પાદન કરીને ભારતભરમાં ગ્રાહકો સુધી પહોંચાડાય છે. દૂધ ઉપરાંત અમૂલ બ્રાન્ડ હેઠળ બ્રેડ, ચૉકલેટ, મીઠાઈ તથા ફ્રોઝન ફરસાણ પણ મળે છે. વળી સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવા અને તેમનાં ઉછેર, માવજત ને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટેની સેવા પણ અમૂલ બજાવે છે. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને દુનિયાના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે.
શુભ્રા દેસાઈ
ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1
