જ. 2 એપ્રિલ, 1933 અ. 23 ડિસેમ્બર, 2010

ગુજરાત મૂળનાં બ્રિટનનાં પ્રખ્યાત મજૂર સંગઠન નેતા જયાબહેનનો જન્મ આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં થયો હતો. 22 વર્ષની ઉંમરે સૂર્યકાંત સાથે લગ્ન થયાં. 1956માં પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામાં ગયાં. ત્યાંથી 1967માં બ્રિટનમાં આવ્યાં. તેમણે બ્રિટનમાં સીવણ મશીન કામદાર તરીકે કાર્ય કર્યું, પછી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લૅબોરેટરીમાં જોડાયાં. અહીં એશિયન મહિલાઓની સંખ્યા વધુ હતી. તેમને ઓછો પગાર આપી વધુ કામ કરાવવામાં આવતું. ભારે વજન ઊંચકવા જેવાં કામ પણ મહિલાઓએ કરવાં પડતાં. રેસ્ટરૂમમાં જવા માટે પણ પરવાનગી લેવી પડતી. ફરજિયાત ઓવરટાઇમ કરાવવામાં આવતો. 20 ઑગસ્ટ, 1976ના રોજ જયાબહેનને ઑવરટાઇમ કરવાની સૂચના આપવામાં આવી. અગાઉથી જાણ કરી ન હોવાથી તેમણે ના પાડી અને પુત્ર સુનિલ સાથે નીકળી ગયાં. મૅનેજર સાથે બોલાચાલી થતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ફૅક્ટરી નથી, પ્રાણીસંગ્રહાલય છે. અહીં કેટલાક વાંદરાઓ છે જે તમારે ઇશારે નાચે છે. બાકીના સિંહ છે. અમે સિંહ છીએ. કામદારોમાં વાત ફેલાતાં થોડા દિવસોમાં બીજા કામદારો પણ વિરોધમાં જોડાયા. ગ્રુનવિકમાં યુનિયનને મંજૂરી નહોતી. જયાબહેનનો પુત્ર સુનિલ મજૂર પક્ષના આગેવાનને મળ્યો. તેમણે એપેક્સ યુનિયનનો સંપર્ક કરાવ્યો. આથી કામદારોને હડતાળનો પગાર મળ્યો. એક વર્ષ પૂરું થતાં સુધીમાં 20,000થી વધુ લોકો સમર્થનમાં આવ્યા. હડતાળના સમાધાન માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. તેણે હડતાળને વાજબી ગણાવી. ફૅક્ટરીના માલિકે ન માન્યું. યુનિયનોએ પણ પીછેહઠ કરી. આથી હડતાળ સમેટવી પડી. એ પછી જયાબહેને બીજે નોકરી કરી. ત્યારબાદ હૅરો કૉલેજમાં અધ્યાપન કર્યું. 60 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી. 14 ડિસેમ્બર, 2016ના રોજ ‘બીબીસી રેડિયો ફોર’ના વુમન્સ અવર દ્વારા 2016ના પાવર લિસ્ટમાં જયાબહેનનો સમાવેશ કરવામાં આવ્યો. ડેવિડ મેન્સેલે જયાબહેનનું પૉર્ટ્રેટ બનાવ્યું હતું. જે નૅશનલ પૉર્ટ્રેટ ગૅલરી, લંડને ખરીદ્યું. હડતાળ પર આધારિત નાટક ‘વી આર ધ લાયન્સ મિસ્ટર મૅનેજર’ ટાઉનસેન્ડ થિયેટર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમના કાર્ય વિશે એક કૉમિક સ્ટ્રિપ બનાવવામાં આવી. જયાબહેન અને ગ્રુનવિક હડતાળ અંગેની ડૉક્યુમેન્ટરી યૂ-ટ્યૂબ પર 7 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘સ્ટ્રાઇકર્સ ઇન સારીસ’ પ્રસારિત કરવામાં આવી. 2007માં તેમને GMB જનરલ ટ્રેડ યુનિયન દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવ્યાં હતાં.
અનિલ રાવલ
