અરબી સમુદ્ર


ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો સમુદ્ર.

આ સમુદ્ર હિંદ મહાસાગરનો જ એક ભાગ ગણાય છે. તેની સીમા પર ભારત, પાકિસ્તાન, ઈરાન, યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમીરાત), ઓમાન, યેમેન અને સોમાલિયા દેશો આવેલા છે. તેમાં આવેલા મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ (ભારત), અલ મસિરા તથા ખુરિયાન-મુરિયાન (ઓમાન) અને સોકોત્રા(યેમેન)નો સમાવેશ થાય છે. હાર્મુઝની સામુદ્રધુની તથા બાબ-અલ-માન્ડેબની સામુદ્રધુની આ સમુદ્રના ભાગરૂપ છે. સિંધુ અને નર્મદા-તાપી જેવી મુખ્ય નદીઓનાં જળ આ સમુદ્રમાં ઠલવાય છે. તેનો કુલ વિસ્તાર આશરે ૩૮,૬૨,૦૦૦ ચો.કિમી. જેટલો છે. આ સમુદ્ર આશરે ૧૫ કરોડ વર્ષ પૂર્વે એટલે કે મધ્યજીવયુગના મધ્યકાળ વખતે અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ ૩,૦૦૦ મીટરની છે. તેનું સૌથી વધુ ઊંડાણ ‘વ્હેકલી ઊંડાણ’ (wheakly deep) નામથી ઓળખાય છે, જેની ઊંડાઈ ૫,૮૦૩ મીટર જેટલી છે. અરબ પાળા અને ઓમાનના અખાતને જુદી પાડતી અધોદરિયાઈ મુરે ડુંગરધાર (Murray Ridge) પણ તેના તળ ઉપર આવેલી છે. સમુદ્રની મધ્યમાં એક પણ ટાપુ નથી. સમુદ્રના અગ્નિકોણમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ પરવાળાના બનેલા છે; જ્યારે પશ્ચિમ તરફનો સોકોત્રાનો ટાપુ દરિયાતળના ઉચ્ચપ્રદેશનો ભાગ છે.

અરબી સમુદ્રનું એક દૃશ્ય

જાન્યુઆરી માસમાં આ સમુદ્રની જળસપાટીનું લઘુતમ તાપમાન આશરે ૨૪°થી ૨૫° સે. તથા જુલાઈ માસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે ૨૮° સે. રહે છે. કોઈ વાર હળવા દબાણવાળાં કેન્દ્રો સર્જાતાં ચક્રવાત જેવાં વાતાવરણીય તોફાનો પણ અનુભવાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાંથી સારડીન, બિલફિશ, વાહૂ, શાર્ક, લેનસેટફિશ, મુનફીન જેવી માછલીઓ મેળવાય છે. અહીંના જળક્ષેત્રમાં મોટે ભાગે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, યેમેન, ફ્રાન્સ, યુનાઇટેડ આરબ અમીરાત, દક્ષિણ કોરિયા અને માલદીવ વગેરે દેશોનાં જહાજો માછલીઓ પકડવા આવે છે. આ સમુદ્રને કિનારે આવેલાં મુખ્ય બંદરોમાં મુહમ્મદ બિન કાસિમ, કરાંચી, કંડલા, મુંબઈ, માર્માગોવા, કોચીન વગેરેનો સમાવેશ થાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાં જહાજોની અવરજવર વધુ જોવા મળે છે. આથી વ્યૂહાત્મક અને સંરક્ષણની દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1