હેમલતા હેગિષ્ટે


જ. 10 એપ્રિલ, 1917 અ. 31 માર્ચ, 1993

અગ્રણી ગાંધીવાદી મહિલા અને સામાજિક કાર્યકર હેમલતા હેગિષ્ટેનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમનું મૂળ વતન મહારાષ્ટ્રનું  શ્રીવર્ધન ગામ હતું. પિતા હરિશ્ચંદ્ર પોસ્ટમાસ્ટર જનરલ હતા જ્યારે માતા કાશીબહેન ગૃહિણી હતાં. હેમલતાબહેનનું સમગ્ર શિક્ષણ અમદાવાદ શહેરમાં થયું હતું. દાણાપીઠ ખાતેની ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક  શિક્ષણ લીધું, જ્યાંથી બૉમ્બે બોર્ડની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યારબાદ ગુજરાત કૉલેજમાંથી વિનયન વિદ્યાશાખાની મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે જ યુનિવર્સિટીની કાયદાશાખાની સ્નાતક પદવી એલએલ.બી. પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ તરત જ સામાજિક કાર્યમાં ઝંપલાવ્યું. સમાજકાર્યમાં તેમનું ક્ષેત્ર મહદંશે અમદાવાદની જાણીતી મહિલા રક્ષણ અને ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ અને કસ્તૂરબા ગાંધી ટ્રસ્ટ, ઇન્દોર પૂરતું જ મર્યાદિત હતું. તેમણે જ્યોતિસંઘના માનદમંત્રી તરીકે સળંગ સત્તર વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ઉપરાંત, અલાહાબાદ જિલ્લાના મહિલાકલ્યાણ માટે કામ કરતા કમલા નહેરુ વિદ્યાલયમાં પણ 1955ના અરસામાં કામ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તકની શાળાઓનું સંચાલન કરતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં તેઓ પાંચ વર્ષ સુધી વાઇસ ચૅરપર્સન હતાં. તે ઉપરાંત તેમણે કસ્તૂરબા ગાંધી સ્મારક ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ગાંધી આશ્રમનાં ટ્રસ્ટી અને અમદાવાદની ગ્રાહક સુરક્ષાની સંસ્થા(CERC)નાં ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કર્યું હતું. 1962-74 દરમિયાન તેમને જે. પી.(જસ્ટિસ ઑવ્ પીસ)નું માનદ બિરુદ આપવામાં આવેલું. તેઓએ ગુજરાત રાજ્યની સાતમી પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ આપવા માટે નિમાયેલી સમિતિના સભ્યપદે પણ કામ કર્યું હતું. ભારતીય પ્રજા અને તેમાં પણ મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટેની વિચારશીલ ભૂમિકા રજૂ કરતા તેમના ઘણા લેખો છાપાંઓ અને સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમને મળેલાં માનસન્માન અને ઍવૉર્ડમાં મુંબઈની ઝોંરા ક્લબ દ્વારા 1980માં ઇન્દિરા ગાંધી ઍવૉર્ડ, 1986માં લેડી વિદ્યાગૌરી નીલકંઠ અભિવાદન ટ્રસ્ટ દ્વારા અપાયેલ ઍવૉર્ડ, જ્યોતિસંઘ અને સોશિયલ વેલફેર ઍડ્વાઇઝરી બોર્ડ દ્વારા તેમને સંયુક્ત રીતે એનાયત થયેલા ઍવૉર્ડનો સમાવેશ થાય છે. કોમી એખલાસ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વસંતરાવ હેગિષ્ટે હેમલતાબહેનના મોટા ભાઈ હતા.