જ. 14 એપ્રિલ, 1877 અ. 18 જુલાઈ, 1907

ગુજરાતી, પારસી અને ઉર્દૂ રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક અને લેખક અમૃત નાયકનો જન્મ અમદાવાદમાં વૈશાખ સુદ એકમ, વિ. સં. 1933ના રોજ થયો હતો. કાળુપુર વિસ્તારની દુર્ગામાતાની પોળમાં ઊછર્યા. ગુજરાતી બે ધોરણ દરિયાપુરની શાળામાં અને ઉર્દૂ બે ધોરણ કાળુપુરની શાળામાં ભણ્યા. કૌટુંબિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડવો પડ્યો. તેઓ 1888માં 11 વર્ષની ઉંમરે કાવસજી ખટાઉની નાટ્યમંડળીમાં માસિક ચાળીસ રૂપિયાના પગારથી જોડાયા. ‘ગામરેની ગોરી’ નાટકમાં બહેરામ ઈરાનીની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી. એ પછી ‘બીમાર-એ-બુલબલ’માં ‘પુંબા’ની ભૂમિકા ભજવી. 1891માં નવી આલ્ફ્રેડ કંપનીમાં જોડાઈ સોરાબજી ઓગરાના સહાયક દિગ્દર્શક બન્યા. એ વખતે એમની ઉંમર માત્ર 14 વર્ષની હતી. તેઓ નાટકની સાથે સાથે ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ ભાષાઓ શીખ્યા. એ પછી કાવસજી ખટાઉની કંપનીમાં દિગ્દર્શક તરીકે જોડાયા. તેમણે ‘ખૂને નાહક’ નાટકનું દિગ્દર્શન કર્યું એટલું જ નહીં, એમાં ‘મલ્લિકા’ની ભૂમિકા પણ ભજવી. તેમણે ‘બજમેફાની’, ‘શહીદેનાઝ’, ‘મુરિદેશક’ જેવાં ઉર્દૂ નાટકોનું પણ દિગ્દર્શન કર્યું. તેમણે શેક્સપિયરના નાટક ‘સિમ્બલીન’ પરથી ‘મીઠા ઝહર’, ‘હૅમ્લેટ’ પરથી ‘ખૂને નાહક’ અને ‘રોમિયો જુલિયટ’ પરથી ‘બજમે ફાની’ નાટક ભજવ્યાં. તેઓ સ્ત્રી અને પુરુષ એમ બંને પાત્રની ભૂમિકા સફળતાપૂર્વક ભજવતા હતા. તેમણે ગુજરાતી અને ઉર્દૂ ગઝલો લખી હતી. ‘ભારત દુર્દશા નાટક’, કન્યા વિક્રયનો કહેર’ નાટકો, ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ નવલકથા, ‘મરિયમ’ ઉર્દૂમાંથી અનૂદિત નવલકથા, ‘શિવશંભુ શર્માના ચિઠ્ઠા’ તેમની મુખ્ય કૃતિઓ છે. ઉર્દૂ નાટક ‘ઝહરી સાપ’નું દિગ્દર્શન ચાલુ હતું ત્યારે ત્રીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. અંગ્રેજી પત્રોએ તેમની સરખામણી હેન્રી ઇરવિંદ સાથે કરી હતી. મુંબઈમાં કોટ વિસ્તારમાં ખાદીભંડાર પાછળની ગલીને ‘અમૃત કેશવ નાયક’ નામ અપાયું છે. અમદાવાદમાં દુર્ગામાતાની પોળ પાસેનો માર્ગ ‘અમૃત કેશવ નાયક માર્ગ’ તરીકે ઓળખાય છે.
અનિલ રાવલ
