કૃષ્ણાસ્વામી સુંદરજી


જ. 28 એપ્રિલ, 1930 અ. 8 ફેબ્રુઆરી, 1999

ભારતીય સેનાના પૂર્વસેનાધ્યક્ષ કૃષ્ણાસ્વામી સુંદરજીનો જન્મ તમિળનાડુના ચેંગલપેટમાં તમિળ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ કૃષ્ણાસ્વામી સુંદરરાજન હતું, પરંતુ તેઓ ‘સુંદરજી’ના હુલામણા નામે જાણીતા હતા. મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી ડિગ્રી મેળવ્યા પહેલાં જ તેમણે સેનામાં પ્રવેશ લઈ લીધો હતો. ત્યારપછી તેમણે તમિળનાડુના વેલિંગટનમાં રક્ષા સેવા સ્ટાફ કૉલેજમાંથી સ્નાતક ડિગ્રી મેળવી હતી. અમેરિકાની લેવેનવર્થની કમાન્ડ અને જનરલ સ્ટાફ કૉલેજ અને દિલ્હીની રાષ્ટ્રીય રક્ષા કૉલેજમાં પણ અધ્યયન કર્યું. ત્યારપછી અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી રક્ષા અધ્યયનમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મી સાથે જોડાયા. 1946માં તેમને મહાર રેજિમેન્ટમાં કમિશન કરવામાં આવ્યા જેમાં તેમને તનાવપૂર્ણ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ ફ્રંટિયર અને જમ્મુ કાશ્મીરમાં કામ સોંપવામાં આવ્યું. ભારતની સ્વતંત્રતા પછી તેઓ કારગીલક્ષેત્રમાં કાર્યરત હતા. 1963માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં કાંગોમાં કામગીરી કરી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સુંદરજીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમાં તેમણે પુરવાર કર્યું કે યુદ્ધ કરવાની ટૅકનિક નિર્ણાયક સાબિત થાય છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે બાંગ્લાદેશના રંગપુર ક્ષેત્રમાં એક બ્રિગેડિયર જનરલ સ્ટાફના રૂપમાં ભૂમિકા નિભાવી. 1974માં તેઓ મેજર જનરલ બન્યા. ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ફ્રંટ્રી અધિકારીને જનરલ ઑફિસર કમાન્ડિંગ બનાવવામાં આવ્યા હતા. 5 ફેબ્રુઆરી, 1979માં તેમને લેફ્ટનન્ટ જનરલ બનાવવામાં આવ્યા. 1984માં તેમણે ઑપરેશન ‘બ્લૂ સ્ટાર’નું નેતૃત્વ કર્યું. 1986માં તેમને ચીફ ઑવ્ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ચીનનો ઑપરેશન ‘ફાલ્કન’માં પણ દૃઢતાપૂર્વક સામનો કર્યો હતો. 1987માં શ્રીલંકામાં ઑપરેશન ‘પવન’માં પણ તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય પરમાણુનીતિ બનાવનાર સમિતિના પણ સુંદરજી સભ્ય હતા. નિવૃત્તિ બાદ પરમાણુનીતિ પ્રત્યે ઉદાસીન રાજકારણીઓ પર તેમણે ‘બ્લાઇન્ડ મૅન ઑવ્ હિંદુસ્તાન’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.