વસંતરાવ દેશપાંડે


જ. 2 મે, 1920 અ. 30 જુલાઈ, 1983

ભારતીય શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના કલાકાર. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, અભંગ, નાટ્યસંગીત જેવા વિવિધ પ્રકારોમાં પારંગત વસંતરાવ દેશપાંડે નખશિખ કલાકાર હતા. માત્ર આઠ વર્ષની વયે તેઓ ફિલ્મસર્જક ભાલાજી પેઢરકરના ધ્યાનમાં આવ્યા અને ફિલ્મ ‘કાલિયા મર્દન’માં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક મળી. સાથે સાથે ગાયન તથા અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. મરાઠી રંગભૂમિમાં શાસ્ત્રીય સંગીતનું પ્રાધાન્ય હોવાને કારણે અભિનય સાથે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. પંડિત શંકરરાવ સપ્રે પાસે કિરાના ઘરાનાની તાલીમ શરૂ કરી. વિવિધ કલાગુરુઓ પાસે શાસ્ત્રીય સંગીતની વિદ્યા પ્રાપ્ત કરી. જેના કારણે કિરાના સાથે પતિયાલા, ભીંડીબજાર જેવા ઘરાનાની વિશિષ્ટતા વસંતરાવને પ્રાપ્ત થઈ. એમણે ‘કાલિયા મર્દન’ બાદ ‘દૂધ-ભાત’, ‘અષ્ટવિનાયક’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ મુખ્યત્વે રંગમંચ ઉપર મરાઠી રંગભૂમિ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. કટિયાર કાલજાત ઘૂસલી સંગીત રૂપક એમના જીવનનું ઐતિહાસિક નાટક બની રહ્યું, જેણે વસંતરાવને અમર ઓળખ આપી. પોતે રંગકર્મી હોવાને કારણે ઠૂમરી, અભંગ, ભજન જેવા પ્રકારોમાં અભિનયનું અંગ ઉમેરીને તેઓ પ્રસ્તુતિને વધુ અસરદાર તેમજ જીવંત બનાવતા. રાગ યમનમાંથી પંચમ વર્જિત કરીને એમણે રાગ ‘રાજ કલ્યાણ’ની રચના કરી હતી. વિશિષ્ટ ચંચલ શૈલીમાં નાટકીય ગાયન શૈલી એ વસંતરાવની એક નોખી ઓળખ છે. ‘કાનડા રાજા પંઢરિચા’, ‘તુ સુખકર્તા, તુ દુઃખહર્તા’, ‘તાલ બોલે’, ‘સૂરત પિયા કી’, ‘મધુમિલના તલ્પા’ જેવાં અનેક મરાઠી નાટ્ય ગીતો સંગીતરસિકો માટે સદાય યાદગાર રહ્યાં છે. વસંતરાવ દેશપાંડેએ અનેક શિષ્યો સંગીતજગતને આપ્યા છે. એમના પૌત્ર રાહુલ દેશપાંડેએ વસંતરાવના સંગીતના વારસાને જીવંત રાખ્યો છે. એમને 1982માં સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુણેમાં ડૉ. વસંતરાવ દેશપાંડે પ્રતિષ્ઠાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દર વર્ષે ત્રણ દિવસનો વસંતોત્સવ વાર્ષિક સમારોહ યોજવામાં આવે છે તથા ઉત્તમ યુવાન ગાયકોને વસંતોત્સવ યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એમના જીવન તથા કાર્યને અંજલિ આપવા ‘મી વસંતરાવ’ શીર્ષક સાથે ફિલ્મનું નિર્માણ થયું છે. નાગપુરમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘દેશપાંડે મેમરી’ શીર્ષક હેઠળ ત્રિદિવસીય સંગીતમહોત્સવનું આયોજન થાય છે.