રાધાકૃષ્ણ તાહિલિયાની


જ. 12 મે, 1930 અ. 14 ઑક્ટોબર, 2015

ભારતીય નૌકાદળના ફ્લેગ ઑફિસર, એડમિરલ રાધાકૃષ્ણ તાહિલિયાનીનો જન્મ સિંધી પરિવારમાં  થયો હતો. તેમણે નેવલ વૉર કૉલેજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને નૅશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.

1 સપ્ટેમ્બર, 1950ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા અને 17 મે, 1952ના રોજ સબ-લેફ્ટનન્ટ તરીકે બઢતી મળી. તેઓ ભારતીય નૌકાદળ વાયુસેનામાં જોડાયા. 1960માં લેફ્ટનન્ટ કમાન્ડર બન્યા. 18 મે, 1961ના રોજ હોકર સી હોક ફાઇટરને લૅન્ડ કરીને INS વિક્રાંતના ડેક પર વિમાન લૅન્ડ કરનાર પ્રથમ નૌકાદળ પાઇલટ બન્યા. 1970માં કૅપ્ટન બન્યા. તેમણે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં INAS300 સ્ક્વૉડ્રનને કમાન્ડ કર્યું. તેમણે INS ત્રિશૂલ અને ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાંતનું પણ કમાન્ડ કર્યું હતું. 1977માં કાર્યકારી રીઅર એડમિરલ તરીકે બઢતી મળી, તેઓ ગોવા નેવલ એરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ બન્યા. 1978માં તેમને સબસ્ટેન્ટિવ રીઅર એડમિરલ તરીકે બઢતી મળી. તેઓ નેવલ હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા પછી ડેપ્યુટી ચીફ ઑફ નેવલ સ્ટાફ બન્યા. તેઓ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નેવલ કમાન્ડ, ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, વાઇસ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા હતા. 1 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય નૌકાદળના ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 11મા નૌકાદળના વડા તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી 8 ફેબ્રુઆરી, 1990થી 20 સપ્ટેમ્બર, 1994 સુધી સિક્કિમના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભારતીય ચેપ્ટરના સ્થાપક સભ્ય અને અધ્યક્ષ હતા. તેમણે બે નૌકાદળના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્ય કર્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.