મુઘલ શાસકોના સમયનું ભારતનું જાણીતું શહેર.
તે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૭° ૧૧´ ઉ. અ. અને ૭૮° ૦૧´ પૂ. રે. છે. આગ્રા જિલ્લાની વસ્તી ૫૫,૧૦,૦૦૦ લાખ (૨૦૨૫, આશરે) અને આગ્રા શહેરની વસ્તી ૨૩,૧૭,૦૦૦ (૨૦૨૫, આશરે) છે. જિલ્લાનો વિસ્તાર ૪,૦૨૭ ચોકિમી. છે. આ જિલ્લામાં યમુના નદીનાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે. ઘઉં, જવ અને કપાસ જિલ્લાના મુખ્ય પાકો છે. સોળમી સદીના આરંભમાં અફઘાન વંશના સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે પહેલાં આજના સ્થળે ‘આગ્રી’ નામે એક ગામ વસેલું હોવાનો ઉલ્લેખ મળે છે. લાલ કિલ્લો દિલ્હીમાં બંધાયો તે પહેલાં ઈ. સ. ૧૫૬૫માં અકબરે અહીં બાંધ્યો હતો. એ લાલ કિલ્લા પહેલાં પણ એક અતિપ્રાચીન કિલ્લો આગ્રામાં હતો તેમ કહેવાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કેટલાંક વર્ષો સુધી આગ્રા તેનું પાટનગર રહ્યું હતું.

આગ્રાનો કિલ્લો
આગ્રામાં લાલ કિલ્લા ઉપરાંત કલાકારીગરીની રીતે બેનમૂન એવી ‘ઇદમતદોલા’ કબર છે. અહીંની આધુનિક સમયમાં બંધાઈ રહેલી ‘દયાલબાગ’ની ઇમારત પણ જોવાલાયક છે. તે રાધાસ્વામી સંપ્રદાયના ગુરુની સમાધિ છે. આગ્રા શહેર દિલ્હીથી અગ્નિકોણમાં ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. તે સૌથી વધુ તો તાજમહેલ માટે જાણીતું છે. તાજમહેલ સત્તરમી સદીમાં શાહજહાંએ બંધાવ્યો હતો. અહીંના લાલ કિલ્લામાંની મોતી મસ્જિદ પ્રખ્યાત છે. આગ્રા શહેરથી વાયવ્યે સિકંદરા ખાતે અકબરનો મકબરો તથા શહેરથી નૈઋત્યે ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રી આવેલાં છે. આગ્રા માર્ગ અને રેલવ્યવહારથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તે મોટું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. હિંદુ ધર્મના રાધાસ્વામી સંપ્રદાયનું તે મોટું મથક છે. આગ્રા શહેરમાં ઈ. સ. ૧૯૨૭માં સ્થપાયેલી યુનિવર્સિટી છે. આગ્રાના ગાલીચાઓ, સોના તથા ચાંદી પરનું જડતરકામ અને સફેદ આરસપહાણ પરનું કોતરકામ વિશ્વવિખ્યાત છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1
