જ. 3 જૂન 1901 અ. 2 ફેબ્રુઆરી 1978

પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક જી. શંકર કુરૂપ્પનો જન્મ કેરલમના નાયત્તોટ્ટ ગામમાં થયો હતો. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. બાળપણમાં પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા ગોવિંદ કુરૂપ્પે કર્યો હતો. તેમણે ત્રણ વર્ષની ઉંમરથી સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. આઠ વર્ષના થયા ત્યારે ‘અમરકોશ’, સંસ્કૃત વ્યાકરણ ‘સિદ્ધરૂપમ્’, છંદશાસ્ત્ર ‘શ્રી રામોદન્તમ્’ અને ‘રઘુવંશ’ના કેટલાક શ્લોક મોઢે કર્યા હતા. એક દિવસ તેઓ વર્ગમાં બેભાન થઈ જતાં એમનો મિત્ર એમને ઊંચકીને ઘેર મૂકી આવ્યો. મિત્રએ કરેલા ઉપકારનો બદલો વાળવા એમણે કેટલીક પંક્તિઓ લખી. એ એમની પહેલી કવિતા હતી. એ વખતે એમની ઉંમર માત્ર 9 વર્ષની હતી. ત્રણ ધોરણ પછી તેમનું શિક્ષણ પેરામ્પાવૂર અને મૂવાટ્ટુપુપામાં થયું. તેમણે વર્નાક્યુલર હાયર પરીક્ષા તેમજ કોચીન રાજ્યની ‘પંડિત’ પરીક્ષા પાસ કરી. છૂટક નોકરી કરી પછી તિરુવિલ્વામલા હાઈસ્કૂલ અને ચાલાકુટિ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય કર્યું. 1931માં કવિતા ‘નાલે’ પ્રગટ થતાં સાહિત્યજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે આકાશવાણી તિરુવનંતપુરમમાં પ્રોડ્યૂસર તરીકે કાર્ય કર્યું હતું. તેઓ કેરળ સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને તેના સામયિકના મુખ્ય સંપાદક પણ હતા. ‘સાહિત્ય કૌતુકમ્’, ‘પાથેયમ્’, ‘સૂર્યકાન્તિ’ તથા ‘મુત્તુસ્સિપ્પિઈ’ એમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. તેમણે 45થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમણે ગીત-સંગીતવાળી પ્રથમ મલયાળમ ફિલ્મ ‘નિર્મલા’ માટે ગીતો લખ્યાં. એ પછી ફિલ્મ ‘ઓરલકૂડી’, ‘કલ્લાનાયી’, ‘અભયમ્’, ‘અદુથદુથ’ અને ‘ઓલિપ્પોરુ’ માટે પણ ગીતો લખ્યાં. એમણે ઉમર ખય્યામની ‘રૂબાયત’, કાલિદાસના ‘મેઘદૂત’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’નો તેમજ ફ્રેન્ચ કૃતિઓનો મલયાળમમાં અનુવાદ કર્યો હતો. તેમને 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1963માં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1967માં સોવિયેત નહેરુ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1965માં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો હતો. ભારત સરકારે 1968માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ 1968થી 1972 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.
અનિલ રાવલ
