સતીશચંદ્ર મુખર્જી


જ. 5 જૂન, 1865 અ. 18 એપ્રિલ, 1948

શ્રી અરવિંદો ઘોષ સાથે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં અગ્રેસર સતીશચંદ્ર મુખર્જીનો જન્મ બાંદીપુર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. કૉલકાતાના ભવાનીપુરમાં દક્ષિણ ઉપનગરીય શાળાના વિદ્યાર્થી તરીકે, સતીશચંદ્રને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસેથી પ્રેરણા મળી હતી. 1886માં તેઓ પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને 1890માં તેમણે એમ.એ. અને બી.એલ.ની ડિગ્રી મેળવી અને કૉલકાતા હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. 1887માં તેમને બહેરામપુર કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના લેક્ચરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1895માં તેમણે ભાગવત ચતુષ્પતિની સ્થાપના કરી, જે ઉચ્ચશિક્ષણની વૈકલ્પિક પ્રણાલીનો પ્રથમ પ્રયાસ હતો. તેઓ ‘ડોન’ મૅગેઝિનના સ્થાપક અને સંપાદક હતા. તેમણે ભારતીય યુનિવર્સિટી કમિશનના અહેવાલનો વિરોધ કર્યો હતો. 1889માં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ માટે યોજના ઘડી હતી. તેમણે ડોન સોસાયટીનું આયોજન કર્યું હતું. તે યુવાનોની તાલીમ ભૂમિ અને દેશભક્તિની નર્સરી તરીકે કાર્યરત હતી. શ્રી અરવિંદો દ્વારા રજૂ કરાયેલા નવા શિક્ષણશાસ્ત્રના કાર્યક્રમ સાથે સુસંગત, સોસાયટીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું ધ્યાન દેશની જરૂરિયાતો તરફ દોરવાનો, ભારત માતાને પ્રેમ કરવાનો, તેમના નૈતિક ચારિત્ર્યને કેળવવાનો, મૌલિક વિચારસરણીને પ્રેરણા આપવાનો હતો. 1907માં શ્રી અરવિંદના રાજીનામા પછી સતીશચંદ્ર તેમના સ્થાને બંગાળ રાષ્ટ્રીય કૉલેજના આચાર્ય અને દૈનિક ‘વંદે માતરમ્’ના યોગદાનકર્તા બન્યા હતા. 1914માં સંત બિજોય કૃષ્ણ ગોસ્વામીના કહેવાથી તેઓ વારાણસી ગયા અને આધ્યાત્મિક ખોજ માટે પોતાના મૃત્યુ સુધી ત્યાં જ સ્થાયી રહ્યા. જીવતરામ કૃપાલાણીએ તેમનો પરિચય ગાંધીજી સાથે કરાવ્યો હતો. જ્યારે પણ ગાંધીજી વારાણસી જતા ત્યારે સતીશચંદ્ર સાથે સમય વિતાવતા. નિયમિત પત્રોની આપ-લે કરવાની ટેવમાં, સતીશચંદ્રએ છેલ્લી વખત ગાંધીજીને 24 જાન્યુઆરી, 1947ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં શ્વાસનિયંત્રણ સાથે રામનું નામ કવી રીતે જપવું તે સમજાવવામાં આવ્યું હતું.