આયુર્વેદ


રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર.

જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા અવયવોને સ્થાને કૃત્રિમ અવયવો બેસાડવાના, આંખ, નાક, કાન વગેરેના રોગો દૂર કરવાના, તારુણ્ય જાળવી રાખવાના તથા કુષ્ઠરોગ મટાડવાના સફળ ઉપચારો થતા.

ઔષધિ અને વનસ્પતિઓનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. જાતજાતના રોગો દૂર કરવાના મંત્રો તથા જલચિકિત્સા, સૌરચિકિત્સાનાં વર્ણનો આયુર્વેદમાં છે. વેદોમાં રોગ થવાનાં કારણોમાં રોગ કરનાર કૃમિનો ઉલ્લેખ તથા તેનું વર્ગીકરણ વગેરેનો અભ્યાસ થયેલો છે. આ ઉપરાંત તેમાં વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ, તેનું વર્ગીકરણ વગેરે મળી આવે છે. લગભગ ૩,૦૦૦ જેટલી ઔષધિઓનો ઉલ્લેખ તેમાં છે. ધન્વંતરિ અને કશ્યપ ઋષિએ સૌપ્રથમ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે તેમણે તેમના શિષ્યોને આપ્યું. વનસ્પતિઓમાંથી ઔષધિ બનાવવાનું સંશોધન કરવામાં ચરકનો મોટો ફાળો છે. પુરાણકાળમાં ઈ. સ. પૂ. ૫૦૦૦થી ૫૦૦ વર્ષમાં આયુર્વેદનો પ્રચાર ભારતમાં ખૂબ થયો. ચરક, સુશ્રુત, ચ્યવન, કશ્યપ જેવા ઋષિઓએ આ ક્ષેત્રમાં ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું. રામાયણ અને મહાભારતમાં પણ આયુર્વેદીય ચિકિત્સાના ઉલ્લેખો આવે છે. તે કાળમાં યુદ્ધમાં રાજાઓ સાથે વૈદ્યો પણ રહેતા. આયુર્વેદમાં નાડીપરીક્ષા પરથી રોગપરીક્ષા થાય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ – એમ ત્રણ દોષો હોય છે અને તેની અસમાનતા દ્વારા રોગ ઉત્પન્ન થાય છે તેવી ધારણા છે. આયુર્વેદ પ્રમાણે સમગ્ર શરીરનો ઉપચાર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આયુર્વેદ, પૃ. 120)