રમણલાલ શેઠ 


જ. 6 જૂન 1917 અ. 5 ઑક્ટોબર 1978

ગુજરાતના નીડર પત્રકાર અને તંત્રી રમણલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં થયો હતો. તેમણે
બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. પછી એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કરી એની સાથે ‘સયાજીવિજય’ને ભેળવી દીધું. તેમણે થોડો વખત ‘ગુજરાત સમાચાર’માં કામ કર્યું હતું. 1953માં એમણે ‘જનસત્તા’ દૈનિક શરૂ કર્યું હતું. આર્થિક મુશ્કેલીને કારણે 1974માં તેમણે ‘લોકસત્તા’ અને ‘જનસત્તા’ બી. ડી. ગોએન્કાને સોંપી દીધાં હતાં. તેમણે ‘ચાંદની’, ‘રંગતરંગ’ તેમજ ‘નૂતન ગુજરાત’ શરૂ કર્યાં હતાં. તેઓ સક્રિય પત્રકાર હતા. ગુજરાતમાં આંદોલનો દરમિયાન તેઓ સ્થળ પર જાતે જઈને સાચો અહેવાલ આપતા હતા. તેઓ લોકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને વાચા આપતા હતા. આથી એમણે સરકારની નારાજગી પણ વહોરવી પડી હતી. નવનિર્માણનાં આંદોલન વખતે તેમણે લખેલા લેખોને કારણે એમની ધરપકડ કરવામાં આવી હતી. ભાલ પંથકમાં દુષ્કાળને પરિણામે સંખ્યાબંધ ઢોરો મૃત્યુ પામ્યાં હતાં ત્યારે તેમણે એ અહેવાલ તસવીરો સાથે ‘જનસત્તા’માં પ્રસિદ્ધ કર્યો હતો. આથી રાજ્ય સરકારે એમના છાપાને જાહેરાત આપવાનું બંધ કરી દીધું હતું. રમણલાલ શેઠે તત્કાલીન મુખ્યમંત્રીને અહેવાલની ખરાઈ કરવા કહ્યું હતું. જાતતપાસ પછી એમના છાપાની જાહેરખબર શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષની રચના થઈ હતી ત્યારે એક ઉદ્યોગપતિએ એમને કોરો ચેક આપી તેમના છાપામાં સ્વતંત્ર પક્ષનો પ્રચાર કરવા કહ્યું હતું. એ વખતે રમણભાઈના માથે દેવું હતું તેમ છતાં તેમણે તે માટે ના પાડી હતી. તેમની સ્મૃતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાન યોજવામાં આવે છે.