શ્યામા


જન્મ 7 જૂન, 1935 અવસાન 14 નવેમ્બર, 2017

મૂળ નામ ખુર્શીદ અખ્તર. પંજાબીભાષી આ નાયિકાને બાળપણથી જ અભિનય અને નૃત્ય પ્રત્યે ખેંચાણ હતું અને તેથી જ તેઓ 1940માં લાહોર છોડીને મુંબઈ આવ્યાં. 10 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ‘ઝીનત’માં સમૂહગીત ગાયિકા તરીકે કામ કરીને ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પછી ‘મીરાંબાઈ’ (1947), ‘પતંગા’ (1949), ‘શબનમ’ (1949) જેવી હિન્દી ફિલ્મોમાં અને ‘ચમન’ (1948) જેવી પંજાબી ફિલ્મોમાં નાની અને સહાયક ભૂમિકાઓ ભજવી. પંજાબી ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે 1950માં આવેલી ફિલ્મ ‘પોસ્ટી’ને એટલી બધી સફળતા મળી કે તેઓ પંજાબી સિનેમાનાં પ્રખ્યાત અભિનેત્રી બની ગયાં. ‘તરાના’ (1951), ‘આસમાન’ (1952), ‘ઠોકર’ (1953), ‘દિલ એ નાદાન’ (1953) વગેરે જેવી ફિલ્મો સાથે તેમણે બાળ ભૂમિકાઓથી પુખ્ત અને મુખ્ય ભૂમિકાઓ સુધીની સફર ખેડી. ગુરુ દત્તની ફિલ્મ ‘આર પાર’(1954)માં તેમનો અભિનય ખૂબ વખણાયો. આ સિવાય ‘લાડલા’ (1954), ‘ભાઈ ભાઈ’(1956)ની સાથે 1957માં આવેલી ફિલ્મ ‘શારદા’માં તેમણે ભજવેલ ચંચલનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું. ‘ભાભી’ (1957) ફિલ્મમાં કાવતરાખોર ભાભી તરીકે, ‘દો બહેન’ (1959)માં જોડિયા બહેનોની બેવડી ભૂમિકામાં તેમનો અભિનય યાદગાર રહ્યો. 1961માં તેમની છેલ્લી પંજાબી ફિલ્મ ‘વિલાયત પાસ’ રહી પણ હિન્દી ફિલ્મો જેવી કે ‘દિલ દિયા દર્દ લિયા’ (1966), ‘સાવન ભાદો’ (1970), ‘અજનબી’ (1974) અને ‘માસ્ટરજી’(1985)માં તેમણે પ્રશંસનીય ભૂમિકાઓ ભજવી. ચાહકો આજે પણ તેમના પર ફિલ્માવવામાં આવેલાં ગીતો ‘એ દિલ મુઝે બતા દે’, ‘યે લો મે હારી પિયા’ વગેરે યાદ કરે છે. લગભગ 140 ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં પોતાની બહુમુખી પ્રતિભા નિભાવવા માટે આ નાયિકાને ‘છુમંતર’ (1956) ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો BFJA ઍવૉર્ડ અને ‘શારદા’ (1957) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.