વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતી, ધાર્મિક-સામાજિક સુધારણાની પ્રવૃત્તિ કરતી સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ સંસ્થા. ૧૯મી સદીમાં ભારતીય સમાજમાંથી કેટલીક બદીઓ દૂર કરવા બે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. તેમાંની કેટલીક પશ્ચિમની સંસ્કૃતિથી તો કેટલીક ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. દયાનંદ સરસ્વતીએ પોતાના ગુરુ વિરજાનંદના આદેશ મુજબ હિંદુ ધર્મમાં પ્રવેશેલાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા ૧૦ એપ્રિલ, ૧૮૭૫માં મુંબઈમાં આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને પુનર્જીવિત કરવાનો હેતુ હતો. થોડાં વર્ષ બાદ લાહોરને તેનું વડું મથક બનાવેલું. દયાનંદ સરસ્વતી એક ઈશ્વરમાં માનતા; પરંતુ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેઓ ગૌરક્ષા અને ગૌવધ પ્રતિબંધની તરફેણમાં હતા. આર્યસમાજના મુખ્ય ગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’માં દયાનંદે આર્યસમાજના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. તેમના મતે વેદોનું અધ્યયન જ સાચું અધ્યયન છે અને વૈદિક ધર્મ બધા માટે મુક્ત હોવો જોઈએ. ‘વેદ તરફ પાછા વળો’ એ તેમનું સૂત્ર હતું.

આ સંસ્થાનો મુખ્ય આદર્શ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ ભારતનું પુનરુત્થાન કરીને એકતા સાધવાનો હતો. આર્યસમાજની કદાચ સૌથી વધુ નોંધપાત્ર સેવાઓ સામાજિક સુધારણા અને શિક્ષણનો ફેલાવો કરવામાં રહેલી છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિબંધનોનું નિવારણ, બાળલગ્નનિષેધ, વિધવા-પુનર્લગ્ન, સ્ત્રી-શિક્ષણ, દુષ્કાળરાહત જેવાં ક્ષેત્રોમાં તેમની સેવાઓ ગણનાપાત્ર રહી છે. આ સંસ્થાએ ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક સ્થળે શાળા, કૉલેજ, ગુરુકુળ-પાઠશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમ વગેરેની સ્થાપના કરી. આમાંનું કાંગડીનું ગુરુકુળ ખૂબ જાણીતું છે. ભારત બહાર પણ આ સંસ્થાની પ્રવૃત્તિ વિસ્તરી હતી. તેમાં બ્રહ્મદેશ, થાઇલૅન્ડ, મલેશિયા, ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેમણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય છે. આર્યસમાજની ચળવળે હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડેલાં. જે હિંદુઓએ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય કે તેમને સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય તેવાઓને હિંદુ ધર્મમાં પાછા લાવવાની ‘શુદ્ધિ’-ચળવળ એ આર્યસમાજની વિશિષ્ટ કામગીરી રહી છે. આર્યસમાજની ચળવળનાં મૂળ પંજાબમાં અને ઉત્તરપ્રદેશમાં વધુ ઊંડાં ગયાં. આર્યસમાજ રાષ્ટ્રીય લડતમાં હંમેશાં મોખરે રહ્યો. સ્વામી શ્રદ્ધાનંદ, લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
શ્રદ્ધા ત્રિવેદી
ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી
