જ. 12 જૂન, 1915 અ. 10 એપ્રિલ, 1998

ચલ્લાકેરે કૃષ્ણમૂર્તિ રાવ નાગરાજ રાવનો જન્મ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરેમાં સી. એસ. કૃષ્ણમૂર્તિ રાવ અને શ્રીમતી પુટ્ટમ્માને ત્યાં થયો હતો. તેઓ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા. તેમણે કન્નડ ભાષામાં સાહિત્ય પીરસ્યું હતું. તેમનું બાળપણ ભારતનાં વિવિધ શહેરોમાં વીત્યું હતું. તેમને કર્ણાટકના સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ હતો. ગાંધીજી સાથેની મુલાકાતે તેમનામાં ભારતની સ્વતંત્રતા અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે ભક્તિ જગાવી હતી. તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત તેમની એક દલિત સંગીતપ્રેમી વિશેની તેમની ટૂંકી વાર્તા ‘કાડુમલ્લિગે’ માટે શાળા સ્પર્ધા જીતી ત્યારથી થઈ. ત્યારબાદ તેમણે કન્નડ પુસ્તકપ્રિન્ટર અને પ્રકાશક સત્યશોધન પુસ્તક ભંડાર સાથે કામ કર્યું. તેમના કાકા શ્રીનિવાસ રાવના માર્ગદર્શન હેઠળ તેમને કર્ણાટકના અગ્રણી લેખકો અને સાહિત્યકારો સાથે ભળવાની તક મળી હતી. તેમણે કન્નડ સાહિત્ય પરિષદના સચિવ તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. સી. કે. નાગરાજ રાવના વ્યાપક સંશોધનને કારણે તેમણે ઘણા સંશોધનપત્રો પ્રકાશિત કર્યા હતા. તેમના સંશોધનપુસ્તક ‘કવિ લક્ષ્મીશાન કલા મટ્ટુ સ્થલા’ને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ચાલુક્ય, ગંગા અને હોયસાલા રાજવંશો પર પણ ઘણા સંશોધનપત્રો લખ્યા હતા. જે જર્નલો અને અખબારોમાં પ્રકાશિત થયા હતા. 1983માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેમની મહાન કૃતિ ‘પટ્ટમહાદેવી શાંતલાદેવી’ને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ જ કૃતિને 1978માં કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા ‘શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્યિક કૃતિ’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બૅંગાલુરુમાં યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામનું પોતાનું મંડળ બનાવ્યું હતું. તેમણે ટી. પી. કૈલાસમ્, કપ્પલી વેંકટપ્પાગૌડા પુટ્ટપ્પા અને અન્ય જાણીતા કન્નડ નાટ્યકારોનાં નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ તેમના સમયના શ્રેષ્ઠ મેક-અપ કલાકારોમાંના એક તરીકે ઓળખાયા હતા. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, બૅંગાલુરુ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ મિથિક સોસાયટી સાથે પણ જોડાયેલા હતા. તેમણે કર્ણાટક લેખકાર સંઘની સ્થાપના કરી હતી અને ‘કાવ્યરામ’ નામના માસિક સાથે કામ કર્યું હતું. તેઓ લેખકોના વિશ્વવ્યાપી સંગઠન પી. ઈ. એન.ના સભ્ય હતા.
અમલા પરીખ
