રૉબર્ટ લેડલી


જ. 28 જૂન, 1926 અ. 24 જુલાઈ, 2012

પ્રસિદ્ધ અમેરિકી ભૌતિકવિજ્ઞાની અને દંતચિકિત્સક રૉબર્ટ લેડલીનો જન્મ ન્યૂયૉર્કમાં થયો હતો. ચિકિત્સાક્ષેત્રે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તથા દુનિયાનું સૌપ્રથમ માનવશરીર સી.ટી. (Computer Tomography) સ્કૅનરની શોધ માટે તેઓ ખ્યાતનામ છે. શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માતા-પિતા માનતાં કે એથી તેમને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત નહીં થાય. તેમણે તેમને દંતચિકિત્સક બનવા માટે આગ્રહ રાખ્યો. આથી 1948માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ડેન્ટલ સર્જરીની પદવી પ્રાપ્ત કરી અને 1950માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને પોતાની ઇચ્છાપૂર્તિ પણ કરી હતી. કોરિયન વૉર દરમિયાન થોડો સમય આર્મીમાં ડેન્ટલ સર્જન તરીકે કાર્ય કર્યા બાદ 1968માં જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. 1970માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ફિઝિયૉલૉજી, બાયૉફિઝિક્સ અને રેડિયોલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અનેક સંશોધનો કર્યાં હતાં. તેમનું સૌથી મોટું યોગદાન ACTA (Automatic computerized transverse axial)  એક્સ-રે સ્કેનરની શોધ હતી. લેડલી સમગ્ર માનવશરીરનાં અંગો સ્કેન કરવાનું મશીન બનાવી, ચિકિત્સા અને રેડિયોલૉજી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા. ચિકિત્સાવિજ્ઞાનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરનાર તેઓ શરૂઆતના અગ્રણીઓમાંના એક હતા. તેમણે ક્રોમોઝોમ વિશ્લેષણ માટે સ્વચાલિત ઉપાયો વિકસિત કર્યા. 1960માં તેમણે નૅશનલ બાયૉમેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન(NBRF)ની સ્થાપના કરી. લેડલીએ તેમની ટીમ સાથે પ્રોટીન અને ડી.એન.એ. અનુક્રમોને વ્યવસ્થિત કરવા માટે વિશાળ પાયે ડેટાબેઝ પ્રોટીન ઇન્ફર્મેશન રિસોર્સ(PIR)ના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 1990માં તેમને ‘નૅશનલ ઇન્વેન્ટર્સ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરાયા. 1997માં તેમને ‘નૅશનલ મેડલ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇનોવેશન’થી સન્માનિત કરાયા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલાં મશીનોની અનુકૃતિ (prototype) આજે પણ સ્મિથ્સોનિયમ ઇન્સ્ટિટ્યૂશનમાં જોવા મળે છે.