જ. 1 જુલાઈ, 1933 અ. 10 સપ્ટેમ્બર, 1965

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદનો જન્મ ઉત્તરપ્રદેશના ધામુપુર ગામમાં થયો હતો. પિતા મોહમ્મદ ઉસ્માન અને માતા સકીનાબેગમ. ધોરણ આઠ પાસ કરી પિતાને દરજીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ 27 ડિસેમ્બર, 1954ના રોજ ભારતીય સેનાની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં ભરતી થયા. તેમણે 1962માં ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે નામકા ચૂના યુદ્ધમાં ભાગ લીધો હતો. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં અબ્દુલ હમીદ અને તેમની 4થી ગ્રેનેડિયર્સ બટાલિયનના જવાનો સીમા પાસે ફરજ પર હતા. 8 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાકિસ્તાની ટૅન્કોએ હુમલો કર્યો. હમીદે પહેલી ટૅન્કનો નાશ કર્યો. બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્ક છોડીને ભાગી ગયા. એ ટૅન્કોનો નાશ કર્યો. વળી બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્કો મૂકીને નાસી ગયા. 9 સપ્ટેમ્બરે ફરીથી ટૅન્કો આવી પરંતુ ઍન્ટિ ટૅન્ક સુરંગોએ ટૅન્કોનો નાશ કર્યો. બાકીની ટૅન્કો પાછી ફરી. 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટૅન્કો સમૂહમાં આવી. હમીદે પાંચમી ટૅન્ક પણ ઉડાવી દીધી. તેમણે સ્થાન બદલીને છઠ્ઠી ટૅન્કનો ખાતમો કર્યો. સાતમી ટૅન્ક નજીક હતી. સાતમી ટૅન્કે તોપગોળો છોડ્યો અને અબ્દુલ હમીદ શહીદ થયા. પોતે શહીદ થયા એ પહેલાં એમણે ટૅન્કનો નાશ કર્યો. હમીદે ત્રણ દિવસમાં સાત પાકિસ્તાની ટૅન્કોનો નાશ કરવાનું અજોડ પરાક્રમ કર્યું હતું. અબ્દુલ હમીદના સર્વોચ્ચ બલિદાન માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2000માં તેમની સ્મૃતિમાં ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં અસલ ઉત્તર ગામમાં રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.
અનિલ રાવલ
