જ. 5 જુલાઈ, 1927 અ. 18 ઑક્ટોબર, 2013

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા, તેલુગુ નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કવિ અને વિવેચક રાવુરી ભારદ્વાજનો જન્મ કૃષ્ણા જિલ્લાના મોગુલુરુ ગામમાં થયો હતો. તેમણે ગુંટૂર જિલ્લાના પોતાના વતન તાડીકોન્ડા ગામમાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ નાની-મોટી નોકરી કરી અને ઑલ ઇન્ડિયા રેડિયોમાં પણ કામ કર્યું હતું. ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડી તેઓ ગામના બીજા લોકો સાથે રહેવા લાગ્યા અને ક્યારેક ખેત-મજૂર તરીકે તો ક્યારેક કોઈ બાંધકામ કરતી જગ્યાએ મજૂર તરીકે કામ કરવા લાગ્યા. આ બધા અનુભવો તેમણે પોતાની વાર્તાઓમાં પણ વણી લીધા. તેમણે વધુ અભ્યાસ ન કર્યો હોવા છતાં તેમણે કરેલી રચનાઓ બી.એ., એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી. તેમને વિશિષ્ટ પ્રદાન બદલ આંધ્ર, નાગાર્જુન, વિજ્ઞાન અને જવાહરલાલ નહેરુ ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીઓ તરફથી માનદ ડૉક્ટરેટ ઉપાધિ પણ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને 1968માં સ્થાપના સમયના ‘ધ ગોપીચંદ લિટરરી ઍવૉર્ડ’ વિજેતા તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમને બે વખત રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1983માં કેન્દ્ર સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. તેમને 1987માં ધ રાજલક્ષ્મી ઍવૉર્ડ અને 2009માં લોક નાયક ફાઉન્ડેશનનો સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલા. વળી સૌથી શિરમોર એવો દેશનો સૌથી શ્રેષ્ઠ ગણાતો જ્ઞાનપીઠ ઍવૉર્ડ 2012માં અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે 37 ટૂંકી વાર્તાઓ, 17 નવલકથાઓ, ચાર નાટકો અને પાંચ રેડિયો માટે વાચિક-નાટકો લખ્યાં છે. બાળ-સાહિત્યમાં પણ તેમનું પ્રદાન છે. ‘પાકુડુ રાલ્લુ’ અને બીજી રચના ‘જીવન સમારમ’ વધુ જાણીતી છે. તેમની ટૂંકી વાર્તાઓ વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનૂદિત થયેલ છે. પાત્રચિત્રણની પ્રમાણભૂતતા અને પ્રભાવક શૈલીથી તેમનાં રેખાચિત્રો તેલુગુમાં મહત્ત્વનું પ્રદાન ગણાય છે.
રાજશ્રી મહાદેવિયા
