ઇટાલી


દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું રાષ્ટ્ર. તે ૩૬°થી ૪૭° ઉ. અ. અને ૭°થી ૧૯° પૂ. રે. વચ્ચેનો ૩.૦૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાષ્ટ્રનો ઉત્તરનો ભાગ વધુ પહોળો, જ્યારે દક્ષિણનો ભાગ સાંકડો છે. તેની પશ્ચિમે લિગ્યુરિયન સમુદ્ર, ટાયર્હેનિયન સમુદ્ર અને ફ્રાન્સ; પૂર્વે એડ્રિયાટિક સમુદ્ર અને ઉત્તરે સ્વિટ્ઝર્લૅન્ડ, સ્લોવેનિયા અને ક્રોએશિયા; ઈશાન-પૂર્વમાં ઑસ્ટ્રિયા અને દક્ષિણે આયોનિયન સમુદ્ર છે. ઇટાલી યુરોપમાંના તેના ભૌગોલિક સ્થાનને કારણે પૂર્વ-પશ્ચિમના દરિયાઈ માર્ગો પર પ્રભુત્વ ધરાવે છે. રોમન સામ્રાજ્યના સમયથી પ્રચલિત આ દેશનું નામ ‘ઇટાલી’ છે. લૅટિન ભાષાના આ શબ્દનો અર્થ ‘વાછરડું’ થાય છે, જે દેશના પ્રતીક રૂપે વપરાય છે. તેના વીસ વહીવટી વિભાગો છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને ટાપુઓ એવા ભાગ છે. ઇટાલીના દ્વીપસમૂહમાં સાર્ડિનિયા, સિસિલી અને સમુદ્રકિનારા નજીકના નાના ટાપુઓનો સમાવેશ થાય છે. ખેતી માટે સૌથી ફળદ્રૂપ ગણાતી કાંપની જમીન ઇટાલીના ઉત્તર ભાગમાં આવેલી પો નદીની ખીણ તેમ જ દ્વીપકલ્પની અન્ય નદીઓની ખીણો છે.

આ દેશની કુલ વસ્તી ૫.૯૩ કરોડ (૨૦૨૬) જેટલી છે. ત્યાંના મોટા ભાગના લોકો મૂળ ઇટાલીના છે. તેઓ ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન અને સ્લોવેન ભાષા બોલે છે. મોટા ભાગના લોકોએ રોમન કૅથલિક ધર્મ સ્વીકાર્યો છે. પોપ રોમન કૅથલિક પંથના ધર્મગુરુ છે અને તે રોમના વૅટિકન શહેરમાં રહે છે. રોમ અહીંનું પાટનગર છે. મિલાન, નેપલ્સ, લૉરેન્સ, વેનિસ મુખ્ય શહેરો છે. પશ્ચિમની કલાનું મુખ્ય ધામ યુરોપ છે. યુરોપમાં પણ ઇટાલી તેનું કેન્દ્ર છે. લૉરેન્સ એ માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચીની કર્મભૂમિ છે. માત્ર આ એક જ શહેરમાં પચાસ જેટલી આર્ટ-ગૅલરીઓ, મ્યુઝિયમો, પીઝાનો ઢળતો મિનારો તથા કૉલોઝિયમ જોવા લાયક સ્થળો છે. પૅટ્રાર્ક, બોકોશિયો અને દાન્તે જેવા સાહિત્યસ્વામીઓ તથા લિયૉનાર્દો દ વિન્ચી, રાફેલ અને માઇકલૅન્જેલો જેવા ચિત્રકારો અને શિલ્પીઓએ અને તેમની અમરકૃતિઓએ ઇટાલીને જગવિખ્યાત બનાવ્યું. વેનિસ જેવું નગર દુનિયાભરમાં ક્યાંય નથી. સંપૂર્ણ રીતે પાણીમાં તરતું નગર છે. ત્યાં નથી રસ્તો કે નથી વાહનો. બધો જ વ્યવહાર હોડી દ્વારા થાય છે. સહેલાણીઓ ગૉન્ડોલા નામની હોડીઓમાં ફરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇટાલી, પૃ. 151)