ઇન્ડોનેશિયા


મલેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. તે ૬° ઉ. અ.થી ૧૧° દ. અ. અને ૯૫° પૂ. રે.થી ૧૪૧° પૂ. રે. વચ્ચેનો ૧૯.૯૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પાપુઆ ન્યૂ ગીનીઆ, પૂર્વ તિમોર અને મલેશિયાના પૂર્વ ભાગ સાથે જમીન સરહદો ધરાવે છે. જ્યારે સિંગાપોર, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપિન્સ, ઑસ્ટ્રેલિયા, પલાઉ અને ભારત (આંદામાન નિકોબાર ટાપુઓ) સાથે મેરીટાઇમ સરહદો ધરાવે છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. ઇન્ડોનેશિયાના નાનામોટા ૧૭,૫૦૪ ટાપુઓ વિષુવવૃત્ત આસપાસ ચાપ-આકારે વિસ્તરેલા છે. આમાંથી ૬,૦૦૦ ટાપુઓ પર જ માનવવસવાટ નથી. તે વિશ્વનો ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

ઇન્ડોનેશિયામાં લગભગ ૧૫૦ જ્વાળામુખીઓ છે. તેમાં ૭૬ જેટલા આજે પણ સક્રિય છે, તેમાં ક્રાકાટોઆ મુખ્ય છે. ઇન્ડોનેશિયાના ભૂમિવિસ્તારના ૬૫% ભાગ ઉપર જંગલો છવાયેલાં છે. આ જંગલોમાં મેહૉગની, સાગ, યુકેલિપ્ટસ, નેતર, રબર, તાડ, સિંકોના, અબનૂસ, રોઝવૂડ, વાંસ વગેરે જેવાં મુખ્ય વૃક્ષો થાય છે. અહીં સુમાત્રા, જાવા અને અન્ય ટાપુઓનાં પંકભૂમિનાં ક્ષેત્રોમાં ચેર(mangroe)નાં જંગલો જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં હાથી, વાઘ, વાંદરાં, ગેંડા, ઉરાંગઉટાંગ, અજગર, મગર, મહાકાય કાચિંડા, વિવિધરંગી પક્ષીઓ અને જંતુઓ જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં લાવારસની કાળી જમીન ખૂબ ફળદ્રૂપ છે. અહીંના મુખ્ય પાક ડાંગર, શેરડી, રબર, નાળિયેર, કૉફી, જાયફળ, સોપારી, મરી, ચા, સિંકોના, તાડ અને તમાકુ છે. અહીં બાગાયતી ખેતીનું મહત્ત્વ વધુ છે. કાપડ ઉપરનું બાટિકકામ અહીંનો ખૂબ મહત્ત્વનો ગૃહ-ઉદ્યોગ છે. ઇન્ડોનેશિયાની વસ્તી આશરે ૨૮ કરોડ ૯૦ લાખ (૨૦૨૬, મુજબ) જેટલી છે. ઇન્ડોનેશિયાના મોટા ભાગના લોકો મલય જાતિના છે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા છે. તે સિવાય જાવા, સુમાત્રા, બોર્નિયો, સેલિબિસ અને બાલી અગત્યના ટાપુઓ છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇન્ડોનેશિયા, પૃ. 157)