જ. 9 જુલાઈ, 1926 અ. 13 મે, 2022

પ્રસિદ્ધ અમેરિકી-ડેનિશ પરમાણુ ભૌતિક વિજ્ઞાની (Nuclear Physicist) બેન રૉય મોટલસનનો જન્મ અમેરિકામાં શિકાગોમાં થયો હતો. તેમણે પરમાણુ નાભિક(Atomic Nuclei)ની આંતરિક રચના તથા જટિલ આકાર(complex structure)ને લગતા સિદ્ધાંતોને વિકસિત કરવા માટે પાયાનું (pioneer) કામ કર્યું. તેમના પિતા ગુડમેન મોટલસન ઇજનેર હતા. તેમનો પરિવાર યહૂદી હતો. ઇલિનૉય(Illinois)સ્થિત લાયન્સ ટાઉનશિપ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધા બાદ તેઓ સંયુક્ત રાજ્ય નૌસેનામાં જોડાઈ ગયા. ત્યાંથી તેમને પર્ડ્યૂ (Purdue) વિશ્વવિદ્યાલયમાં વધુ તાલીમ અને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. 1947માં તેમને સ્નાતકની પદવી પ્રાપ્ત થઈ. ત્યારબાદ 1950માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય પરમાણુ ભૌતિકીમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. હાર્વર્ડમાંથી ફેલોશિપ મેળવી તેઓ કોપનહેગન યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિક સંસ્થાનમાં જોડાયા. ત્યારબાદ નીલ્સ બોહર સંસ્થામાં કાર્યરત બન્યા અને ડેન્માર્કમાં જ રહી ગયા. તેમણે નોર્ડિક ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયૉરિટિકલ ફિઝિક્સ(Nordita)માં પ્રોફેસર તરીકે કામગીરી બજાવી તે પછી તેઓ કૅલિફૉર્નિયાની બર્કલે યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બન્યા અને ત્યાં અનેક સંશોધનો કર્યાં. તેમણે આગે બોહર સાથે મળીને અનેક શોધપત્રો પ્રકાશિત કર્યાં જેમાં સૈદ્ધાંતિક મૉડલોની તુલના પ્રાયોગિક અંકો સાથે કરવામાં આવી. બેન મોટલસન પોતે ડેનિશ અને અમેરિકા એમ બંને દેશોની નાગરિકતા ધરાવતા હતા. પરમાણુ ભૌતિકી ક્ષેત્રે અદ્ભુત સંશોધન બદલ તેમને 1975નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેમને ભૌતિકવિજ્ઞાનીઓ આગે બોહર (Aage Bohr) અને જેમ્સ રેનવૉટર (James Rainwoter) સાથે સંયુક્ત રૂપે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે 1969માં એટમ્સ ફોર પીસ ઍવૉર્ડ, 1974માં જૉન પ્રાઇસ વેદરિલ મેડલ અને 1980માં મારિયન સ્મોલુચોવ્સ્કી મેડલનો સમાવેશ થાય છે.
શુભ્રા દેસાઈ
