એલેક્ઝાન્ડર ડુમા


જ. 24 જુલાઈ, 1802 અ. 5 ડિસેમ્બર, 1870

19મી સદીના પ્રખ્યાત ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડુમા ઇતિહાસમાં સૌથી વધુ વંચાયેલા ફ્રેન્ચ લેખકોમાંના એક છે. તેમની રસપ્રદ ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તેમનું મૂળ નામ એલેક્ઝાન્ડર ડુમા ડેવીડી લા પેલેટરી. તેઓ એલેક્ઝાન્ડર ડુમા પેરે તરીકે પણ ઓળખાતા. તેમનો જન્મ વિલર્સ-કોટેરેટ્સ, પિકાર્ડી, ફ્રાન્સમાં થયો હતો. તેમની ઘણી ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ મૂળ રૂપે શ્રેણીબદ્ધ રૂપે પ્રકાશિત થઈ હતી, જેમાં ‘ધ કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’, ‘ધ થ્રી મસ્કેટીયર્સ’, ‘ટવેન્ટી યર્સ આફ્ટર’ અને ‘ધ વિકોમ્ટે ઑફ બ્રેગેલોન : ટેન યર્સ લેટર’નો સમાવેશ થાય છે. ફિલિપ સાથે કામ કરતા તેઓ મૅગેઝિનો માટે લખતા. તેમણે લેખનની શરૂઆત નાટકોથી કરી હતી. તેમનું સૌપ્રથમ નાટક ‘હેન્રી-3 અને હીસ કોર્ટ’ 1829માં રચાયેલું જે રૉમેન્ટિક અને ઐતિહાસિક હતું. તેમનું બીજું નાટક ‘ક્રિસ્ટીન’ બીજા વર્ષે પણ લોકપ્રિય બન્યું. સફળ નાટકો પછી તેમણે શ્રેણીબદ્ધ નવલકથાઓ લખવાની શરૂઆત કરી. 1836માં ‘લા કોમ્ટેસે ડી સેલિસ્બરી’ લખી. એક નાટકને પણ શ્રેણીબદ્ધ ઐતિહાસિક નવલકથા ‘લે કેપિટેઇન પોલ’ તરીકે ફરીથી લખ્યું. 1840માં તેમણે પૅરિસમાં ‘થિયેટર હિસ્ટોરિક’ની સ્થાપના કરી જેમાં જુદા જુદા લેખકોએ સેંકડો વાર્તાઓ લખી. તેમણે પોતે જીવન દરમિયાન 1,00,000 પાનાં ભરીને રચનાઓ કરી હતી જેમાં ઐતિહાસિક પ્રવાસો, નવલકથાઓ અને નાટકોનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ એટલી લોકપ્રિય થતી કે તે અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અનૂદિત થઈ જતી. આથી તેઓ અઢળક સંપત્તિ કમાયા અને પૅરિસ બહાર લ-પોર્ટ માર્લીમાં વિશાળ ‘શાટો-દ-મોન્ટેક્રિસ્ટો વિલા’ બનાવી. લૂઇ-નેપોલિયન બોનાપાર્ટ 1851માં આવ્યા ત્યારે તેઓ ફ્રાન્સ છોડી બેલ્જિયમ ગયા. ત્યાં થોડો સમય રહ્યા બાદ રશિયા અને પછી ઇટાલી ગયા. અહીં તેમણે ‘લ ઇન્ડિપેન્ડન્ટ’ અખબારમાં ઇટાલીના એકીકરણને ટેકો આપતા લેખો પ્રકાશિત કર્યા. ત્યારબાદ 1864માં પૅરિસ પાછા આવ્યા. તેમના અવસાન બાદ જૂન, 2005માં તેમની છેલ્લી નવલકથા ‘ધ નાઇટ ઑફ સેન્ટ હર્માઈન’ પ્રકાશિત થઈ જેમાં ટ્રફાલગરના યુદ્ધનો ઉલ્લેખ હતો. 1970માં તેમના અવસાનના શતાબ્દી વર્ષે પૅરિસ મેટ્રોના એક સ્ટેશનને તેમનું નામ આપવામાં આવ્યું અને તેમના નિવાસ ‘શાટો-દ-મોન્ટેક્રિસ્ટો’ને પબ્લિક મ્યુઝિયમ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.