ઇસિડૉર આઇઝક રબી


જ. 29 જુલાઈ, 1898 અ. 11 જાન્યુઆરી, 1988

અમેરિકન ભૌતિકશાસ્ત્રી ઇસિડૉર રબીનો જન્મ રૈમાનોવ ઑસ્ટ્રિયામાં એક યહૂદી પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડેવિડ રૉબર્ટ અને માતાનું નામ જેનેટ ટાઇગે, 1899માં પરિવાર સાથે અમેરિકામાં સ્થળાંતર કર્યું. શાળાનો અભ્યાસ ન્યૂયૉર્કમાં કર્યા બાદ 1919માં ત્યાંની કોર્નેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1923માં અનુસ્નાતકની પદવી મેળવી અને 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્ફટિકોના ચુંબકીય ગુણધર્મો ઉપર સંશોધનકાર્ય કરીને પીએચ.ડી.ની પદવી પણ મેળવી.

સંશોધન માટે ફેલોશિપ મળતાં, બે વર્ષ યુરોપ રહ્યા. ત્યાં તેમણે સમરફીલ્ડ, બોહર, પાઉલી, સ્ટર્ન અને હાઇઝનબર્ગ જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિકો સાથે કાર્ય કર્યું. 1929માં અમેરિકા પાછા ફરીને કોલંબિયા યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના વ્યાખ્યાતા અને 1937માં પ્રાધ્યાપક થયા. રડાર અને પરમાણુ બૉમ્બના સંશોધન હેતુ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે આવેલ વિકિરણ પ્રયોગશાળાના સહનિયામક થવા માટે 1940માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી રજા મેળવી. 1945માં કોલંબિયા યુનિવર્સિટીમાં પાછા આવીને ભૌતિકશાસ્ત્ર ભવનમાં વિશિષ્ટ કાર્યકારી અધિકારી તરીકે જોડાયા. લૉંગ આઇલૅન્ડ ઉપર આવેલ પરમાણુ સંશોધન પ્રયોગશાળા બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરીની પણ જવાબદારી સંભાળી. શરૂઆતનાં સંશોધનોમાં સ્ફટિકને કાચના તંતુ ઉપર પ્રવાહીમાં લટકાવીને તેને વીજચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને પ્રયોગો કર્યા. વિવિધ પ્રયોગો કરી અનેક સ્ફટિકોની ચુંબકીય ગ્રહણશીલતાઓ મેળવી. પરમાણુની નાભિ(nucleus)ના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ શરૂ કર્યો. આ માટે ઑટો સ્ટર્નની આણ્વિક કિરણાવલી પદ્ધતિનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. પરમાણુ અને અણુની એકાકી પરિભ્રમણ અવસ્થા પારખી શકાય અને નાભિની યાંત્રિક અને ચુંબકીય ચાકમાત્રાઓ માપી શકાય. તેમના આ સંશોધનકાર્યનો ઉપયોગ ઇલેક્ટ્રૉન સ્પિન રેઝેનન્સ (ESR), ઑપ્ટિકલ પમ્પિંગ રિફાઇન્ડ મૉલેક્યુલર બીમ પદ્ધતિ, રેડિયો ખગોળવિજ્ઞાન અને પરમાણુ ઘડિયાળમાં થવા લાગ્યો. અનેક કૉલેજો-યુનિવર્સિટીઓએ તેમને ડી.એસ.સી.ની માનાર્હ પદવીઓ એનાયત કરી હતી. તેમને અનેક ચંદ્રકો અને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં જેમાં 1944માં ભોતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અને 1960માં બર્નાર્ડ ચંદ્રક મુખ્ય છે. 1960માં તેમનું ‘માય લાઇફ ઍન્ડ ટાઇમ્સ એઝ અ ફિઝિસિસ્ટ’ પ્રકાશિત થયું હતું.