પૃથ્વીના ગોળાની ધરીના ઉત્તર છેડા પરનું સ્થાન.
પૃથ્વીના ગોળા પર ઉત્તરના અને દક્ષિણના છેડે બે હિમાચ્છાદિત વિસ્તારો આવેલા છે. તેની કોઈ ચોક્કસ સીમા નથી. ઉત્તર વિસ્તાર ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે. આ વિશાળ વિસ્તાર ૧,૪૨,૦૦,૦૦૦ ચો.કિમી. જેટલો છે. અહીં દરિયાની મહત્તમ ઊંડાઈ ૪,૧૦૦ મીટરની છે. આ વિસ્તારની નજીકમાં અનેક ભૂમિભાગો આવેલા છે. તેમાં નૉર્વે, રશિયા, અલાસ્કા અને કૅનેડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નજીકમાં આવેલો સૌથી મોટો ટાપુ ગ્રીનલૅન્ડ છે. શિયાળામાં અહીંનું હવામાન અતિશય ઠંડું રહે છે. શિયાળામાં ઉત્તર ગોળાર્ધ સૂર્યથી ઊલટી દિશામાં નમેલો રહે છે. તેથી અહીં સતત છ મહિના સુધી સૂર્યનાં દર્શન થતાં નથી એટલે કે છ મહિના સુધી રાત્રિનો અંધકાર છવાયેલો રહે છે, જ્યારે ઉનાળામાં ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો રહેતો હોવાથી સૂર્ય આથમતો નથી એટલે કે છ મહિના દિવસ રહે છે. આમ શિયાળામાં છ મહિનાની રાત્રિ અને ઉનાળામાં છ મહિનાનો દિવસ રહે છે.

આ પ્રદેશમાં વિવિધ જાતિઓના લોકો રહે છે. તેમાં મુખ્યત્વે એસ્કિમો (ગ્રીનલૅન્ડ, અલાસ્કા અને કૅનેડામાં), યાકુતા (વિભક્ત રશિયામાં) અને લેપ (લેપલૅન્ડમાં) લોકોનો સમાવેશ થાય છે. અહીં અનેક પ્રકારનાં પ્રાણીઓ પણ વસે છે. સફેદ રીંછ, વહેલ, સીલ તેમ જ કેટલાક પ્રકારની માછલીઓ અહીં જોવા મળે છે. અહીં વસતા લોકો આ પ્રાણીઓનો શિકાર કરીને જીવનનિર્વાહ કરે છે. પ્રાણીઓનાં રૂંછાંમાંથી બનાવેલાં વસ્ત્રો પહેરીને તેઓ ઠંડીનો સામનો કરે છે. અહીંની વનસ્પતિમાં અલ્પજીવી ટૂંકું ઘાસ તેમ જ લીલ અને શેવાળ મુખ્ય છે. અહીંના લોકો રહેવા માટે બરફનાં અર્ધગોળાકાર ઘરો બનાવે છે. તે ‘ઇગ્લૂ’ના નામે ઓળખાય છે. એસ્કિમો રંગબેરંગી કપડાં પહેરે છે. હવે અહીં આધુનિક આવાસો પણ જોવા મળે છે. ઉત્તર ધ્રુવના પ્રદેશ વિશે જાણવા માટે જગતના સાહસિકોને ઘણું કુતૂહલ હતું. આ સ્થળે પહોંચી તેને પ્રત્યક્ષ જોવા-જાણવા અમેરિકાના નૌકાદળના એક ઍડ્ મિરલે બીડું ઝડપ્યું. ઈ. સ. ૧૯૦૯માં તેઓ ઉત્તર ધ્રુવ પહોંચ્યા. છઠ્ઠી એપ્રિલે ત્યાં પહોંચી ઍડ્ મિરલ રૉબર્ટ પિયરીએ અમેરિકાનો ધ્વજ ફરકાવ્યો હતો.
રજની વ્યાસ
ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી
