હેન્રી ફૉર્ડ


જ. 30 જુલાઈ, 1863 અ. 7 એપ્રિલ, 1947

વિશ્વના આરંભના અગ્રણી મોટરકાર ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડનો જન્મ મિશિગનના ગ્રીનફીલ્ડ ટાઉનશિપમાં થયો હતો. તેમનું આગવું પ્રદાન તે તેમણે મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનમાં 1913માં વિશ્વનો પ્રથમ ઍસેમ્બલી લાઇન પ્લાન્ટ આપ્યો તે છે. તેમનું કુટુંબ આયર્લૅન્ડથી આવીને વસ્યું હતું. 15 વર્ષની વયે શાળા છોડીને ડેટ્રોઇટમાં મશીનિસ્ટ ઍપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કર્યું. વચ્ચે કોઈ કોઈ વાર પિતાના ફાર્મહાઉસ પર જતા. સમય જતાં ત્યાં તેમણે મશીન શૉપ અને લાકડાં વહેરવાની મિલ ઊભી કરી. 1899 સુધી ડેટ્રોઇટની એડિસન કંપનીમાં ઇજનેર તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે ડેટ્રોઇટના ઘરની પાછળના વર્કશૉપમાં પહેલી કાર પ્રાયોગિક ધોરણે બનાવી. 1903માં તેમણે ફૉર્ડ મોટર કંપની સ્થાપી બજારુ ધોરણે મેક એવન્યૂ પ્લાન્ટમાં કાર-ઉત્પાદન શરૂ કર્યું. 1908માં ખૂબ પ્રખ્યાત મૉડલ ટી (T) બહાર પાડ્યું. 1914 સુધીમાં મૉડલની પાંચ લાખથી વધુ ગાડીઓ દુનિયાના રસ્તા પર દોડતી થઈ. 1920માં અમેરિકા ઉપરાંત યુરોપ, લૅટિન અમેરિકા, કૅનેડા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં ઍસેમ્બ્લી પ્લાન્ટ શરૂ કર્યા. 1938 સુધીમાં તો વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારના મૉડલ T ઉપરાંત પણ અનેક મૉડલો લોકપ્રિય થયાં. કાર-ઉત્પાદન ઉપરાંત સ્ટીલ પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈનાં માલસામાનનાં ઉત્પાદન માટે પણ તેમનું યોગદાન મહત્ત્વનું ગણાય છે. કાર-ઉત્પાદન થતાં મધ્યમ વર્ગના લોકો તથા ધંધાદારી લોકો પણ કાર વાપરતા થયા. તેને લીધે મુસાફરીનો સમય બચ્યો અને તેની અસર અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર થઈ. નવી તકનીકીનો ઉપયોગ, વેતનદરમાં વૃદ્ધિ અને બજારોનું વિસ્તૃતીકરણ એ તેમની ક્રાંતિકારી અને મહત્ત્વની સિદ્ધિ ગણાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ તેમની શાંતિવાદી વિચારધારા માટે જાણીતા હતા. તેમણે રાષ્ટ્રસંઘનું ખાસ સમર્થન કર્યું હતું. તેમણે સ્વતંત્ર રીતે લખેલાં બે પુસ્તકો – ‘શ્રમનું મહત્ત્વ’ (Phylosophy of Labour) અને ‘આગે બઢો’ (Moving Forward) ઘણી પ્રસિદ્ધિ પામ્યાં હતાં.