જ. 3 ઑગસ્ટ, 1918 અ. 6 જાન્યુઆરી, 1987

હિન્દી ફિલ્મજગતના વિદ્વાન સંગીતનિર્દેશક જયદેવ વર્માનો જન્મ કેન્યાના નાઇરોબીમાં થયો હતો. શિક્ષણ અપાવવા પિતાએ ભારતમાં સ્થળાંતર કર્યું અને વતન લુધિયાણામાં આવીને વસ્યા. જયદેવના મનમાં હિન્દી ફિલ્મોમાં હીરો બનવાનું સ્વપ્ન જાગ્યું. સંગીત પ્રત્યે પણ એટલો જ લગાવ હતો. પંદર વર્ષે ઘર છોડીને તેઓ મુંબઈ ચાલ્યા ગયા. ફિલ્મોમાં નસીબ જોગે બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક પણ મળી, પરંતુ પિતા એમને પાછા લુધિયાણા લઈ આવ્યા. પિતાના અવસાન પછી કુટુંબની જવાબદારી તેમનાં માથે આવી પડી. એક કલાકારનું સ્વપ્ન ભાંગી જતાં એમની અંદરની કલા વધુ અસરકારક રીતે પાંગરવા લાગી. નાની બહેનના લગ્નની જવાબદારી પૂરી કરીને તેઓ મુંબઈ પાછા આવ્યા. સંગીતજ્ઞ અલી અકબરખાનસાહેબ પાસે સરોદ શીખવાનું શરૂ કર્યું. અભિનયને બદલે સંગીત તરફ નિયતિ એમને લઈ ગઈ. દમની બીમારીને કારણે ગાયનક્ષેત્રે ઘણી સીમાઓ હતી. અલી અકબરખાનસાહેબ, એસ. ડી. બર્મન, મદનમોહન જેવા સંગીતકારોના સહાયક બનીને હિન્દી ફિલ્મોમાં કામ શરૂ કર્યું. 1955માં ‘જોરુ કા ગુલામ’ ફિલ્મના સંગીતનિર્દેશન સાથે સ્વતંત્ર નિર્દેશનની તક સાંપડી. એ પછી 41 ફિલ્મોમાં 250 ગીતોનું એમણે સંગીતનિર્દેશન તથા પૃષ્ઠભૂમિ સંગીતનું નિર્દેશન કર્યું. ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યા. કવિ હરિવંશરાય બચ્ચનરચિત ‘મધુશાલા’નું સંગીતનિર્દેશન કર્યું જે મન્નાડેના સ્વરમાં રેકૉર્ડ કરવામાં આવ્યું. ચેતન આનંદ સાથે નવકેતન કંપનીમાં જયદેવજીએ ઘણા ગુણવત્તાસભર સર્જનો કર્યાં. એમના સંગીતમાં શાસ્ત્રીય સંગીત સાથે લોકસંગીતને અદ્ભુત રીતે જોડવામાં આવ્યું છે. ‘હમ દોનો’, ‘ઘરૌંદા’, ‘રામનગરી’, ‘તુમ્હારે લિયે’, ‘ગમન’, ‘અનકહી’ જેવી અનેક ફિલ્મોમાં એમના દ્વારા સંગીતબદ્ધ થયેલાં ગીતો કલાત્મક ગીતોની યાદીમાં સ્થાન ધરાવે છે. ‘મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’, ‘અલ્લાહ તેરો નામ’, ‘આપકી યાદ આતી રહી’, ‘અભી ના જાઓ છોડકર’ જેવાં ગીતો સંગીતપ્રેમીઓનાં હૈયે અને હોઠે આજે પણ જીવંત છે. લતા મંગેશકર ઍવૉર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંગીતને વરેલા જયદેવજી આજીવન અપરિણીત રહ્યા હતા. જયદેવ વર્મા જયદેવજીના નામથી ભારતભરના સંગીત પ્રેમીઓના હૃદયમાં સ્થાન ધરાવે છે. ફિલ્મસંગીતના માધ્યમથી જયદેવજીએ સંગીતની અદ્ભુત સેવા કરી છે.
અલ્પા શાહ
