જ. 6 ઑગસ્ટ, 1881 અ. 11 માર્ચ, 1955

પેનિસિલીનના આવિષ્કારક ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગનો જન્મ સ્કૉટલૅન્ડના લોકફિલ્ડમાં થયો હતો. તેઓ ખેડૂતપુત્ર હતા. તેમની 13 વર્ષની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થતાં તેઓ લંડનમાં પોતાના ભાઈ સાથે રહેવા ગયા. 1908માં તબીબીશાસ્ત્રની પરીક્ષા પાસ કરી અને એક વર્ષ બાદ તેઓ એફ.આર.સી.એસ. થયા. તેમણે પહેલા મહાયુદ્ધમાં બહુ સારી સેવા બજાવી હતી. અહીંથી તેમને જીવાણુનાશક દવાઓમાં રસ જાગ્યો હતો. યુદ્ધમાંથી પાછા ફર્યા બાદ સેન્ટ મેરી હૉસ્પિટલમાં તેઓ જીવાણુશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમાયા. ઈ. સ. 1923માં તેમણે ‘લાઇસોઝાઇમ’ નામનું મહત્ત્વનું જીવાણુનાશક દ્રવ્ય શોધ્યું હતું. ફૂગમાંથી સ્રવતો રાસાયણિક પદાર્થ રોગજનક જીવાણુઓ માટે વિનાશક સાબિત થયો. આ ફૂગ પેનિસિલિયમ નોટેટમ જાતની હોવાથી નવા શોધાયેલા પદાર્થને પેનિસિલીન નામ આપવામાં આવ્યું. બીજી દવાઓથી નાશ ન પામતાં કે અંકુશમાં ન આવતાં સ્ટેફિલોકોકસ જીવાણુઓથી થતા રોગો માટે આ અસરકારક ઔષધિ બની. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેનિસિલીનનું મહત્ત્વ સમજાયું. રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓનો વિકાસ અટકાવી તેમણે ઘણા સૈનિકોના જીવ બચાવ્યા. આથી તેમને ખૂબ માન મળ્યું. ઈ. સ. 1948માં નિવૃત્ત થઈને તેમણે લંડન વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ કહેતા કે, ‘પેનિસિલીન તો કુદરતે સર્જેલું છે, મેં તો માત્ર તેની શોધ જ કરી છે.’ 1944માં તેમને ‘નાઇટહૂડ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. પેનિસિલીનની શોધ માટે તેમને 1945માં નોબેલ સન્માન સંયુક્ત રૂપે મળ્યું હતું. 1999માં તેમનું નામ ‘ટાઇમ’ મૅગેઝિનમાં 2000ની સાલ માટેની 100 શ્રેષ્ઠ વ્યક્તિઓની યાદીમાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને ‘સ્કૉટલૅન્ડની મહાન વ્યક્તિ’ની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.
અંજના ભગવતી
