ઉદ્યાન


આંખોને સુંદર લાગે અને મનને આનંદ અને શાંતિ આપે તેવા ફૂલછોડ વગેરે આયોજનપૂર્વક વાવીને તૈયાર કરેલો હરવા-ફરવા ને બેસવા કે આરામ લેવા માટેનો ગામ કે નગરની અંદરનો કે આસપાસનો વિસ્તાર. આદિમાનવે જ્યારે ભટકતું જીવન બંધ કર્યું અને તે સ્થાયી વસવાટ ધરાવતો થયો ત્યારે તેના સામૂહિક વસવાટથી ગામ અને નગરો બન્યાં. તેથી કુદરતી સૌંદર્યનો નાશ થવા લાગ્યો. તે સમયે કુદરતી સૌંદર્યને માણવા માટે ગામ અને નગરોની અંદર કે આસપાસ માનવે ઉદ્યાનોનું નિર્માણ કર્યું. ઘટાદાર વૃક્ષો, છોડ, લતામંડપ, શાકભાજી તથા ફળોનાં વાવેતર તથા લીલા રંગનો મખમલી ગાલીચો પાથર્યો હોય તેવી લૉન વગેરે ઉદ્યાનનાં મુખ્ય અંગો છે. ઉદ્યાનમાં આવેલાં રંગબેરંગી ફૂલો, તેમની માદક સુગંધ, પક્ષીઓનો કલરવ, ખિસકોલીઓની દોડાદોડ અને પતંગિયાંની ઉડાણ મનને પ્રસન્નતાથી ભરી દે છે. મંદિર અને ઘરની આસપાસ બગીચાને લીધે તેની શોભા વધી જાય છે. પાણીના હોજ અને ફુવારા રાખવાથી તથા પૂતળાં મૂકવાથી બગીચાની સુંદરતા વધારી શકાય છે.

ભારતના કેટલાક જોવાલાયક બગીચાઓમાં આગ્રામાં તાજમહાલની આસપાસના અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ-ભવનની આસપાસના બગીચાઓનો તથા કાશ્મીરમાંના શાલીમાર (મુઘલ) અને મૈસૂરમાંના વૃંદાવન ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. ઉદ્યાન જ્યારે કોઈ ઐતિહાસિક સ્થળ કે બનાવોની સાથે સંકળાયેલા હોય ત્યારે તેમનું મહત્ત્વ ઘણું વધી જાય છે. મુંબઈમાં બોરીવલી નજીક એક હજાર વર્ષથી પણ વધારે જૂની એવી કૃષ્ણગિરિ (કન્હેરી) ગુફાઓ સાથે સંકળાયેલો લગભગ ૫,૦૦૦ એકરના વિસ્તારવાળો કૃષ્ણગિરિ ઉદ્યાન તેનું ઉદાહરણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઉદ્યાન, પૃ. 202)