ચંદ્રશેખર આઝાદ


જ. ૨૩ જુલાઈ, ૧૯૦૬ અ. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧

ભારતીય ક્રાંતિકારી તરીકે જાણીતા ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. પિતા સીતારામ અત્યંત ગરીબીમાં જીવતા હતા, ચોકીદારની નોકરી કરતા હતા અને વાંસ તથા માટીથી બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. માતા જાગરાણી દેવીની ઇચ્છાથી ૧૪ વર્ષની વયે તેઓ વારાણસીની એક સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. આજીવન અપરિણીત રહેનાર ચંદ્રશેખર આઝાદને ગાંધીજી પ્રેરિત રાષ્ટ્રીય આંદોલનનો નાદ લાગતાં તેમણે તેમાં ઝંપલાવ્યું હતું. પોલીસના હાથે તેઓ પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી ! આથી નિષ્ઠુર પોલીસે તેમને ચાબખાની સજા કરી હતી, જે તેમણે હસતા મોંએ સહન કરી હતી. પોલીસના હાથે પકડાયા ત્યારે પોતાની ઓળખ ‘આઝાદ’, પિતાની ઓળખ ‘સ્વતંત્ર’ અને સરનામું ‘કેદખાનું’ એવી ઓળખ આપી હતી. પછીના દિવસોમાં ચંદ્રશેખર હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન લશ્કરમાં જોડાયા હતા અને ઉપરાઉપરી રચાતાં ક્રાંતિકારીઓનાં ષડયંત્રોમાં સામેલ થયા હતા. કાકોરીનું ષડયંત્ર (૧૯૨૬), વાઇસરૉયની ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો બનાવ, દિલ્હીનું કાવતરું, લાહોર ખાતે સૉન્ડર્સ ઉપરનો હુમલો વગેરે ષડયંત્રોમાં તેમની સામેલગીરી હતી. ‘હું જીવતો અંગ્રેજોના હાથમાં નહીં પકડાઉં’ તેવી પ્રતિજ્ઞા લેનાર ચંદ્રશેખરને ૧૯૩૧માં અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે પોલીસે ઘેરી લીધા ત્યારે તેમણે આત્મહત્યાનો આશરો લીધો હતો. તેમની શહીદીના ૨૪ દિવસ બાદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. તેમના નેતૃત્વથી રાજગુરુ અને સુખદેવ જેવા કેટલાય યુવાનો પ્રભાવિત થયા હતા. ચંદ્રશેખર આઝાદના નામ સાથે ગામેગામ અને શહેર શહેરમાં જાહેર માર્ગ અને ચોકનાં નામ જોવા મળે છે.