જ. ૨૪ જુલાઈ, ૧૯૧૧ અ. ૨૦ એપ્રિલ, ૧૯૬૦

બાંસુરીવાદક, સંગીતનિર્દેશક પન્નાલાલ ઘોષનું મૂળ નામ અમલજ્યોતિ ઘોષ. સંગીતયાત્રા દરમિયાન પન્નાલાલના હુલામણા નામથી પ્રખ્યાત થયા. પિતા અક્ષયકુમાર ઘોષ સિતારવાદક હોવાને કારણે સંગીતશિક્ષણની શરૂઆત સિતારવાદનથી થઈ, પરંતુ બાંસુરી પ્રત્યેના અનોખા આકર્ષણને કારણે તેઓ બાંસુરીવાદન તરફ ઢળ્યા. માતા સુકુમારી પણ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. પન્નાલાલ ઘોષને બાંસુરીના પિતા ગણવામાં આવે છે. બાંસુરીને લોકવાદ્યમાંથી શાસ્ત્રીય વાદ્યોમાં તેમણે સ્થાન અપાવ્યું. તેઓ અલ્લાઉદ્દીન ખાનસાહેબના શિષ્ય હતા. પ્રાથમિક સંગીતનું શિક્ષણ ખુશી મહોમદ ખાન તેમજ ગિરિજાશંકર ચક્રવર્તી પાસે પ્રાપ્ત કર્યું હતું. કૉલકાતાના ન્યૂ થિયેટર્સમાં થોડાં વર્ષો સંગીતનિર્દેશક તેમજ સહાયક તરીકે કામ કર્યું. ૧૯૪૦માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ‘સ્નેહબંધન’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. પછી અનેક ફિલ્મોમાં બાંસુરીવાદન પણ કર્યું. ‘આંધિયાં’ ફિલ્મમાં પં. રવિશંકર તેમજ અલી અકબર ખાન સાથે સંયુક્ત રીતે સંગીત તૈયાર કર્યું. બાંસુરીની બનાવટમાં ક્રિયાત્મકતા અને કલાત્મકતા સાથે અનેક પ્રયોગો કર્યા, જેમાં વિવિધ ધાતુ તથા વિવિધ લાકડાના ઉપયોગ કર્યા. ૩૨ ઇંચ લાંબી વાંસની બાંસુરી તૈયાર કરી. જેનો કર્ણમધુર નાદ સંગીતપ્રેમીઓ માટે અમૂલ્ય ભેટ બની રહ્યો. એક સંગીતકાર હોવાની સાથે તેઓ નિષ્ઠાવાન દેશપ્રેમી હતા. કિશોર અને યુવાન વયે આઝાદીની અનેક ચળવળોમાં તેઓ સક્રિય રહ્યા હતા. તેમનાં પત્ની પારુલ (બિસ્વાસ) ઘોષ સંગીતકાર અનિલ બિસ્વાસનાં નાનાં બહેન હતાં. પન્નાલાલના દોહિત્ર આનંદ મુરદેશ્વરનું પણ બાંસુરીવાદનક્ષેત્રે ઘણું મોટું યોગદાન છે. નવી દિલ્હીમાં ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પંડિત પન્નાલાલ ઘોષનું નામ સદા અમર ગણાય છે.
અલ્પા શાહ
