સીસમ


દ્વિદળી વર્ગની, મજબૂત કાષ્ઠ ધરાવતી, શિંબી કુળની વૃક્ષ-સ્વરૂપ વનસ્પતિ.

સીસમનાં વૃક્ષો હિમાલયના નીચેના ભાગોમાં સહ્યાદ્રિ પર્વત ઉપર તેમ જ મલબાર વિસ્તારમાં વિશેષ જોવા મળે છે. તે ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ અને આસામ રાજ્યમાં પણ તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે રસ્તાની બંને બાજુએ અને ચાના બગીચાઓમાં છાયાવૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

સીસમનું વૃક્ષ

સીસમનાં વૃક્ષો  ૨૪ મીટરથી ૩૦ મીટર સુધીની ઊંચાઈનાં અને ૨થી ૪ મીટરના ઘેરાવાવાળાં હોય છે. સીસમનું વૃક્ષ ચાલીસથી પચાસ વર્ષનું થતાં ખૂબ જ મજબૂત બની જાય છે. તેનું લાકડું લોખંડી મજબૂતાઈ ધરાવે છે. તે કાળા રંગનું અને ખૂબ જ મોંઘું હોય છે. આ લાકડાને વર્ષો સુધી સડો લાગતો નથી. તેનાં પાન સંયુક્ત પીંછાકાર હોય છે. દરેક પાન ૩ અથવા ૫ કે ૭ પર્ણિકાઓ ધરાવે છે. આ પર્ણિકાઓ અંડાકાર હોય છે. તેનાં પતંગિયાકાર પીળાં ફૂલો ૫થી ૭.૫ સેમી. લાંબાં હોય છે તેની શિંગો ચપટી, ૧૦ સેમી. લાંબી અને ૧.૨૫ સેમી. પહોળી હોય છે. ફૂલો અને શિંગો માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર સીસમ કડવું, ચામડીનો રંગ સુધારનાર, બળદાયક તથા રુચિકર છે. તે પિત્ત, દાહ, સોજા, ઊલટી, હેડકી, કોઢ, અજીર્ણ, અતિસાર, મેદ અને કૃમિનો નાશ કરે છે. આ ઉપરાંત તાવમાં તેનો પાણી તથા દૂધમાં ક્વાથ બનાવી પીવામાં આવે છે. આંખના રોગોમાં પણ સપ્રમાણ માત્રામાં તેના પાનનો રસ મધ સાથે મેળવીને આંજવાથી ફાયદો થાય છે. સીસમનું કાષ્ઠ સાગ કરતાં વધારે મજબૂત, ભારે અને બરછટ હોય છે. તેનું અંદરનું કાષ્ઠ ટકાઉ હોય છે. તેનો ઉપયોગ ફર્નિચર અને કૅબિનેટ બનાવવામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેની સ્થિતિસ્થાપક્તા અને ટકાઉપણાને લીધે તે બાંધકામમાં, પલંગના પાયાઓ, હીંચકો, ખુરસીઓ, હથોડીઓ, હૂકાની નળીઓ અને ચલમો બનાવવામાં વપરાય છે. તે કોતરકામ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેના કાષ્ઠનો ઉપયોગ બળતણમાં કરવામાં આવે છે. સીસમનાં પાનનો ચારા તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી