જ. ૨૬ જુલાઈ, ૧૯૨૨ અ. ૧૯ જુલાઈ, ૧૯૯૩

સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવનાર ભારતના પીઢ પત્રકાર ગિરિલાલ જૈનનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના પીપળીખેડા ગામમાં થયો હતો. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી, ૧૯૪૮માં ‘ઇન્ડિયન ક્રોનિકલ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. ૧૯૫૦માં ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના દિલ્હી કાર્યાલયમાં તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૫૧માં રિપોર્ટર અને ૧૯૫૮માં ચીફ રિપોર્ટર થયા. ૧૯૬૧માં કરાંચીમાં અને ૧૯૬૨માં લંડનમાં ‘ટાઇમ્સ’ના વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કર્યું. ત્રણ વર્ષ પછી ભારત આવ્યા અને ૧૯૬૫માં દિલ્હીમાં સહાયક તંત્રી નિમાયા. ૧૯૭૦થી ૧૯૭૬ દરમિયાન દિલ્હી આવૃત્તિના વરિષ્ઠ તંત્રી રહ્યા. તે પછી તેઓ ૧૯૭૮થી ૧૯૮૮ સુધી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીપદે રહ્યા હતા. તેમની ગણના ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાં થતી હતી. તેઓ ભારતી પરિષદ, ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તથા સંરક્ષણ અભ્યાસ તથા વિશ્લેષણ સંસ્થાના સભ્ય પણ રહ્યા હતા. એક તંત્રી તરીકે ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ પર વરસો સુધી પોતાની છાપ મૂકી શક્યા હતા. તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી પણ એમણે વિવિધ અખબારોમાં લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. ‘ધ સન્ડે મેઇલ’ અને ‘ધ ઑબ્ઝર્વર’માં એમણે વિવિધ વિષયો પર ચિંતનાત્મક લેખો લખ્યા છે. તેમણે ભારત-ચીન સંબંધો તથા પાકિસ્તાનના સૈનિકવાદ વિશે પુસ્તકો લખ્યાં છે. તેમના પુસ્તક ‘ધ હિન્દુ ફિનોમિનને’ દેશના બૌદ્ધિકોમાં ખૂબ ચકચાર ફેલાવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટેના આંદોલનને તેમણે ટેકો આપ્યો હતો. તેઓ આ આંદોલનને હિંદુ પુનરુત્થાનની અભિવ્યક્તિ ગણતા હતા. ૧૯૯૩માં બીમાર થયા પછી તેમાંથી ફરી સાજા થયા નહિ. આથી તેમની પુત્રી મીનાક્ષી જૈને આ પુસ્તકનું સંપાદનકાર્ય સંભાળ્યું. એક જ વર્ષમાં તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. ૧૯૫૧માં તેઓ સુદર્શન જૈન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમની પુત્રી મીનાક્ષી જૈન ઇતિહાસકાર છે જ્યારે સંધ્યા જૈન પત્રકાર છે અને પુત્ર સુનીલ જૈન ‘ફાઇનાન્શિયલ એક્સપ્રેસ’ના મૅનેજિંગ એડિટર રહી ચૂક્યા છે. ૧૯૮૯માં તેમને ‘પદ્મભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
અમલા પરીખ
