જ. ૧ ઑગસ્ટ, ૧૮૮૨ અ. ૧ જુલાઈ, ૧૯૬૨

દેશના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની અને દેશસેવક તરીકે જાણીતા પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેરના એક ખત્રી પરિવારમાં થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ સર તેજબહાદુર સપ્રુના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતા. ૧૯૨૧માં વકીલાતનો ત્યાગ કરીને તેમણે પૂર્ણ સમય માટે દેશસેવા શરૂ કરી હતી. થોડા સમય માટે તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં અધ્યાપક તરીકે પણ ફરજ નિભાવી હતી. પુરુષોત્તમદાસ ટંડન વિદ્યાર્થી હતા ત્યારથી જ કૉંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ કૉંગ્રેસની સત્યશોધ સમિતિના સભ્ય હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકા દરમિયાન તેઓએ અસહકાર આંદોલન અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ દાયકામાં બિહાર કિસાનસભાના પ્રમુખ તરીકે તેમણે કિસાનોના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપિત ભારત લોકસેવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા હતા. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ તેમણે ઉત્તરપ્રદેશની પ્રાંતીય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ૧૯૫૦ સુધી નિભાવી હતી. ૧૯૫૦માં આચાર્ય કૃપલાણીને હરાવીને પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૯૫૨માં લોકસભા અને ૧૯૫૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. દેશની રાષ્ટ્રભાષા હિંદી જ હોવી જોઈએ તેના તેઓ આગ્રહી હતા અને તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પુરુષોત્તમદાસ ટંડનની દેશસેવા અને સમાજસેવાથી પ્રભાવિત થઈને ગાંધીજી તેમને ‘રાજર્ષિ’ નામે ઓળખાવતા હતા. ૧૯૬૧માં તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી
