સુગરી (સુઘરી)


ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી